ઘરે-ઘરે પહોંચેલી ટપરવેર કંપનીએ દેવાળું ફૂંક્યું

20 September, 2024 10:00 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ફૂડ સ્ટોરેજ કન્ટેનર બિઝનેસમાં દાયકાઓથી એકહથ્થુ શાસન કરનારી અમેરિકાની કંપની ટપરવેર નાદાર થઈ ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં ટપરવેરની વૉટર-બૉટલ કે લંચ-બૉક્સ કે ટિફિન નહીં હોય. ફૂડ સ્ટોરેજ કન્ટેનર બિઝનેસમાં દાયકાઓથી એકહથ્થુ શાસન કરનારી અમેરિકાની કંપની ટપરવેર નાદાર થઈ ગઈ છે. ઘટતી જતી ડિમાન્ડ અને વધતા જતા ખર્ચને હવે કંપની પહોંચી શકે એમ નથી એવી અમેરિકાની અદાલતમાં કંપનીએ અરજી કરી છે. કંપનીએ ૫૦૦ મિલ્યન ડૉલરથી એક બિલ્યન ડૉલરની અંદાજિત સંપત્તિ અને એક બિલ્યન ડૉલરથી ૧૦ બિલ્યન ડૉલરનું અંદાજિત દેવું હોવાનું અરજીમાં લખ્યું છે. કોરોના સમયે ટપરવેરનાં ઉત્પાદનોના વેચાણમાં થોડો વધારો થયો હતો; પરંતુ ત્યાર પછી કાચો માલ, લેબર અને અન્ય ખર્ચા વધી જતાં કંપનીએ માર્જિન વધારે ઘટાડ્યું હતું. નાદારી નોંધાવતાં પહેલાં ટપરવેરે ૭૦૦ મિલ્યન ડૉલરથી વધુના દેવા અંગે લેણદારો સાથે વાટાઘાટો કરી હતી. જોકે કંપનીએ લોનની શરતોનું ઉલ્લંઘન કર્યું હતું એટલે કલમ ૧૧ દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે કંપની અદાલતની દેખરેખમાં વેપારને ફરી બેઠો કરવા ઇચ્છે છે.

united states of america international news world news