જસ્ટિન ટ્રુડોના રાજીનામા પછી ડોનલ્ડ ટ્રમ્પે પાછું કહ્યું, કૅનેડા અમેરિકાનું ૫૧મું રાજ્ય બની જાય

08 January, 2025 11:42 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ઑફરથી ચકચાર, ટ્રમ્પે કહ્યું કે ઘણા કૅનેડિયનો આ ઇચ્છી રહ્યા છે

ડોનલ્ડ ટ્રમ્પ, જસ્ટિન ટ્રુડો

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે રાજીનામું આપ્યું એના થોડા કલાક બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પે કૅનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાની વાતને દોહરાવી હતી. તેમની આ ઑફરથી દુનિયાભરમાં ચકચાર મચી છે.

શું કહ્યું ટ્રમ્પે?

ડોનલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશ્યલ નામના પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું કે ‘કૅનેડામાં ઘણા લોકો અમેરિકાનું ૫૧મું રાજ્ય બનવાનું પસંદ કરશે. અમેરિકા હવે મોટા પાયે વેપારમાં ખાધ અને સબસિડી સાંખી શકે એમ નથી, જ્યારે કૅનેડાને આની સખત જરૂર છે. જસ્ટિન ટ્રુડોને આ વાતની ખબર હતી તેથી તેમણે રાજીનામું આપી દીધું છે. જો કૅનેડા અમેરિકામાં સામેલ થઈ જાય છે તો એના પર કોઈ ટૅરિફ નહીં લાગે અને એના ટૅક્સ પણ ઘણા ઓછા થઈ જશે. તેઓ રશિયન અને ચાઇનીઝ જહાજોના ખતરાથી પણ સુરક્ષિત થઈ જશે જે તેમને લગાતાર ઘેરીને ફરતાં રહે છે. જો આપણે સાથે મળી જઈએ તો આ કેટલો મહાન દેશ બનશે.’

ડોનલ્ડ ટ્રમ્પ નવેમ્બર મહિનામાં ચૂંટણીમાં જીત્યા ત્યારે જસ્ટિન ટ્રુડો તેમને અભિનંદન આપવા માટે તેમના માર-અ-લાગો એસ્ટેટમાં પહોંચ્યા હતા અને એ સમયે પણ ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનવાની ઑફર આપી હતી. ત્યાર બાદ તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં પણ આ વાતનો ઘણી વાર ઉલ્લેખ કર્યો હતો.

જસ્ટિન ટ્રુડોનું રાજીનામું

કૅનેડાના વડા પ્રધાન ૫૩ વર્ષના જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતા તળિયે જતાં સોમવારે તેમણે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમની ખુદની લિબરલ પાર્ટીમાંથી જ તેમના વિરોધમાં સૂર ઊઠ્યા હતા. જ્યાં સુધી નવા વડા પ્રધાન નક્કી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યવાહક વડા પ્રધાનપદે કાર્યભાર સંભાળશે.

સંબંધો સારા નથી

ડોનલ્ડ ટ્રમ્પ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે સંબંધ સારા નથી. ટ્રમ્પ અગાઉ ૨૦૧૭થી ૨૦૨૧ સુધી પ્રેસિડન્ટ હતા ત્યારે પણ તેમના સંબંધો વણસેલા જ રહ્યા હતા. તેમની કેટલીક પોસ્ટમાં ટ્રમ્પે જસ્ટિન ટ્રુડોની મજાક ઉડાવતાં તેમના માટે ‘ગવર્નર ઑફ ધ ગ્રેટ સ્ટેટ ઑફ કૅનેડા’ જેવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. 

ટ્રમ્પે કૅનેડાને આપી છે ધમકી

ટ્રમ્પની ઑફર પર કૅનેડામાંથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ટ્રમ્પે ધમકી આપી છે કે જો કૅનેડા એની દક્ષિણ સરહદથી ગેરકાયદે ડ્રગ્સ અને ગેરકાયદે પ્રવાસીઓના પ્રવાહને રોકવામાં નિષ્ફળ રહેશે તો તેઓ કૅનેડાથી આયાત થનારા સામાન પર પચીસ ટકા ટૅરિફ લગાવી દેશે.

canada donald trump justin trudeau united states of america political news international news news world news