16 July, 2023 06:04 PM IST | Brussels | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઈટલી (Italy)માં એરલાઇન કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળને કારણે હજારો મુસાફરો યુરોપમાં ફસાયા છે. જેમાં સેંકડો ભારતીય પ્રવાસીઓ પણ સામેલ છે. હડતાળને કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. માત્ર ઈટલી (Italy)માં જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને લગભગ 1,000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
ઈટલીમાં હાલ ટૂરિસ્ટ સીઝન છે. અનેક લોકો પ્રવાસ પર આવતા હોય છે. આવી સ્થિતિમાં આ હડતાળના કારણે અહીંના પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈટલીમાં ઉનાળા અને આવી સીઝન દરમિયાન ટ્રાન્સપોર્ટ કામદારો વારંવાર હડતાળ કરે છે. એરલાઇન સ્ટાફની પહેલા રેલ્વેએ પણ હડતાળ કરી હતી. અહીંના મજૂર યુનિયનો કામની સારી સ્થિતિ માટે દબાણ કરવા હડતાળ પર ઉતરતા હોય છે.
અહીંના મજૂર યુનિયનોએ જણાવ્યું હતું કે તેઓએ રયાને એર ફ્લાઇટ્સનું સંચાલન કરતી માલ્ટા એર સાથે સંપૂર્ણપણે અસંતોષકારક કરારના મતભેદને કારણે હડતાલ બોલાવી છે. ઈટલીમાં ગ્રાઉન્ડ ક્રૂ નવા સામૂહિક કરારની માંગ કરી રહ્યા છે. પાયલોટના પણ હડતાળમાં જોડાયા બાદ માલ્ટા એરની ફ્લાઈટને અસર પહોંચી છે.
અધિકારીઓએ વિશેષમાં જણાવ્યું હતું કે, “શનિવારે રોમ(Rome)ના એરપોર્ટ પર 200 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. મિલાનના એરપોર્ટ પર 150 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જ્યારે ટ્યુરિન અને પાલેર્મોમાં પણ અનેક ફ્લાઇટ્સ રોકવામાં આવી છે.
ઈટલીના પરિવહન પ્રધાન માટ્ટેઓ સાલ્વિની દ્વારા હડતાળ કરનારાઓને સમજદારીનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી લાખો અન્ય કામદારો અને પ્રવાસીઓને અસુવિધા ન થાય.
હડતાળની સાથોસાથ લોકોને અહીંના હવામાનની પણ સમસ્યા નડી રહી છે. યુરોપ આ સમયે તીવ્ર ગરમીની ઝપેટમાં છે. ખાસ કરીને ઈટલીને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.
આ હડતાલને કારણે ફ્રેન્કફર્ટ થઈને દિલ્હી આવતી ફ્લાઇટ્સ સહિત ઈટલીના વિવિધ એરપોર્ટથી દિલ્હી આવતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દિલ્હી સહિત દેશના વિવિધ શહેરોમાં આવતા લોકોને એરપોર્ટ પર જ ખુલ્લામાં રાત વિતાવવી પડે છે.
આ દરમિયાન કોઈને પાણીની બોટલ આપવામાં આવી રહી છે તો કોઈને વળતર તરીકે માત્ર દોઢ હજાર રૂપિયા (15 યુરો) પરત કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉનાળાની ગરમીમાં લાખો મુસાફરો યુરોપમાં ફસાયેલા છે. ઈટલીમાં કામદારોની હડતાળની અસર અન્યત્ર પણ જોવા મળી રહી છે. વિશ્વના ટોચના પર્યટન સ્થળોમાંના આ એક સ્થળે જ લગભગ 250,000 પ્રવાસીઓ ફસાયા હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ આ કામદારો દ્વારા અગાઉના કરારની સમાપ્તિના છ વર્ષ પછી નવા સામૂહિક કરારની માંગ કરવામાં આવી રહી છે.