ભારતમાં ચીનની ‘ફેકમફેક’

06 December, 2023 11:37 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ભારતીયો તરીકેની ખોટી ઓળખ આપીને ચીનમાં બનાવવામાં આવેલાં અકાઉન્ટ્સ દ્વારા દેશમાં ફેક ન્યુઝ ફેલાવવાની કોશિશ

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : મેટાના તાજેતરના રિપોર્ટમાં ભારતમાં ફેક ન્યુઝ ફેલાવવા માટે ચીન દ્વારા કરવામાં આવતા પ્રયાસો વિશે વિગતવાર જણાવવામાં આવ્યું છે. ચીનમાંથી બનાવવામાં આવેલાં ફેક ફેસબુક અકાઉન્ટ્સ દ્વારા આ ફેક ન્યુઝ ફેલાવીને જનતાનો ઑપિનિયન ખોટી રીતે બદલવા અને તેમને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે. મેટાએ એના ​ત્રિમાસિક થ્રીટ રિપોર્ટમાં જણાવ્યું છે કે એણે આ વર્ષની શરૂઆતમાં ચીનમાંથી બનાવવામાં આવેલાં ફેક એકાઉન્ટ્સના એક મોટા નેટવર્કને ધ્વસ્ત કર્યું છે. 

આ અકાઉન્ટ્સ બનાવનાર પોતાની ઇન્ડિયન્સ તરીકે જ ઓળખ આપતા હતા. તેઓ ઇન્ડિયન પૉલિટિક્સ અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ વિશે ખોટી માહિતી ફેલાવતા હતા. અરુણાચલ પ્રદેશ પર ફોકસ કરાયેલાં અકાઉન્ટ્સ પર ભ્રષ્ટાચાર તેમ જ મણિપુરમાં વંશીય હિંસાને સપોર્ટ આપવાના ભારત સરકાર પર આરોપો મૂકવામાં આવતા હતા. આ કન્ટેન્ટ ઑથેન્ટિક લાગે એટલા માટે આ અકાઉન્ટ્સ પરથી એકબીજાની પોસ્ટ્સ પર કમેન્ટ્સ કરાતી હતી અને શૅર કરાતી હતી. મેટાએ દાવો કર્યો હતો કે એનાં તમામ પ્લૅટફૉર્મ્સ પરથી આવાં ફેક અકાઉન્ટ્સને બંધ કરવામાં આવ્યાં છે. 
આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ચીનમાં બનાવાયેલાં બીજાં ૪૭૦૦ ફેક અકાઉન્ટ્સ દ્વારા અમેરિકન પૉલિટિક્સને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું જ્યાં અબૉર્શન, પ્રેસિડન્ટની ચૂંટણીના ઉમેદવારો તેમ જ અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો જેવા ટૉપિક્સ પર પોસ્ટ્સ કરવામાં આવતી હતી. 

પત્રકાર, લૉયર અને માનવાધિકાર ઍક્ટિવિસ્ટની ખોટી ઓળખ અપાતી હતી
આ રિપોર્ટમાં જણાવાયું હતું કે ‘ફેસબુક પર પત્રકાર, લૉયર અને માનવાધિકાર ઍક્ટિવિસ્ટ્સ તરીકેની ખોટી ઓળખ આપીને કાલ્પનિક લોકોનાં નામે આ અકાઉન્ટ્સને ઑપરેટ કરવામાં આવતાં હતાં. આ અકાઉન્ટ્સ પર મોટા ભાગે ઇંગ્લિશમાં જ પોસ્ટ્સ કરવામાં આવતી હતી. કેટલીક પોસ્ટ્સ હિન્દી અને ચાઇનીઝમાં પણ કરવામાં આવતી હતી. રિજનલ ન્યુઝ, કલ્ચર, સ્પોર્ટ્સ તેમ જ તિબેટ અને અરુણાચલ પ્રદેશમાં ટ્રાવેલિંગ વિશે પોસ્ટ્સ કરવામાં આવતી હતી. 

international news china national news