20 April, 2023 09:52 PM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
ભારતમાં એપલ (Apple) જ્યારે તેના સ્ટોર્સ શરૂ કરી રહી છે, ત્યારે કંપનીને યુએસમાં મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકા (USA)ના એક એપલ સ્ટોરમાં કરોડોના આઇફોન (iPhone)ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. વોશિંગ્ટનના લિનવૂડમાં એપલ સ્ટોરમાંથી અંદાજિત $500,000 (આશરે રૂા. 4.1 કરોડ)ની કિંમતના 436 iPhonesની ચોરીએ લોકોને ચોંકાવી દીધા છે. એપલ સ્ટોરના સુરક્ષિત દરવાજામાં પ્રવેશવું એ સૌથી મોટા ચોરો માટે પણ ખાવાનો ખેલ નથી. એપલ સ્ટોરના દરવાજાને ભેદવા ખરેખર ખૂબ મુશ્કેલ છે.
આ કિસ્સામાં, અપરાધીઓએ આ મહિનાની શરૂઆતમાં પડોશી સિએટલ કૉફી ગિયર સ્ટોરમાં ટનલિંગ કરીને અલગ અભિગમ અપનાવ્યો હતો. તેમણે એપલ સ્ટોરના બેકરૂમમાં પ્રવેશ મેળવવા માટે બાથરૂમની દિવાલમાં એક મોટી ટનલ બનાવી હતી. સાંભળવામાં આ ખરેખર મની હાઈસ્ટના કોઈ એપિસોડ જેવું લાગે છે, પરંતુ આવું વાસ્તવમાં બન્યું છે. બિઝનેસ ટુડેએ તેના અહેવાલમાં આ ઘટનાની માહિતી આપી છે.
સર્વેલન્સ ફૂટેજમાં ચોરોને 15 મિનિટથી ઓછા સમયમાં સિએટલ કૉફી ગિયરમાં પ્રવેશતા અને બહાર નીકળતા બતાવવામાં આવ્યા છે. કૉફી સ્ટૉરના સીઈઓ, માઈક એટકિન્સન, ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં કથિત રીતે બાથરૂમમાં પાછળ બનાવવામાં આવેલી ટનલ સ્પષ્ટપણે જોઈ શકાય છે.
સિએટલ કૉફી ગિયરના તાળાઓ બદલવાની કિંમત લગભગ $900 આવશે, જ્યારે સ્ટોરની ધારણા છે કે બાથરૂમને રીપેર કરવા માટે $600 અને $800ની વચ્ચે ખર્ચ કરવો પડશે.
આ પણ વાંચો: ફેસબુકની પેરન્ટ કંપની મેટા વધુ એક વખત છટણી કરશે
હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને એલ્ડરવુડ મૉલ, જ્યાં સ્ટોર્સ આવલો છે ત્યાંનાં સત્તાવાળાઓની પણ પૂછપરછ કરી રહી છે. સિએટલના કિંગ 5 ન્યૂઝે આ અહેવાલ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે એપલે આ ચોરી અંગે કોઈ ટિપ્પણી કરી નથી, કારણ કે કંપની ઐતિહાસિક રીતે સ્ટોર ચોરીની ચર્ચા કરવાનું ટાળે છે.