07 July, 2024 07:30 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
જો બાઇડને
અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને તેમના સ્વાસ્થ્યને લગતી અને નવેમ્બરમાં ફરી ચૂંટાઈ આવવા વિશેની શંકાઓને ફગાવી દીધી હતી અને પ્રેસિડેન્શિયલ ડિબેટને તેમણે એક ખરાબ એપિસોડ ગણાવીને ભારપૂર્વક કહ્યું હતું કે મને પ્રેસિડન્ટ બનાવવાની રેસમાંથી હટાવવા માટે માત્ર ઉપરવાળો જ સર્વશક્તિમાન છે.
ઍટ્લાન્ટામાં ગયા અઠવાડિયે જો બાઇડન અને તેમના હરીફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ટીવી-ડિબેટમાં બાઇડનનો દેખાવ એકદમ ખરાબ રહ્યા બાદ શુક્રવારે ૮૧ વર્ષના જો બાઇડને એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં ઉપરોક્ત વાત કહી હતી. ટીવી-ડિબેટ બાદ બાઇડનની ખુદની ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ તેમને ચૂંટણીમાંથી હટી જવા કહી રહ્યા છે. તેમના અપ્રૂવલ-રેટિંગ્સ પણ ઘટી રહ્યા છે.
અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે બીજી વાર ચૂંટણી લડવા જઈ રહેલા જો બાઇડને ડેમોક્રેટિક પાર્ટીમાં તેમની સામે વધી રહેલા બળવાને ડામવાના હેતુથી અમેરિકાની ABC ન્યુઝ ચૅનલને આપેલા ૨૨ મિનિટના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ટ્રમ્પ સાથેની પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટની રાત ખરાબ હતી અને હું થાકેલો અને બીમાર હતો. તેમણે દાવો કર્યો હતો કે તેઓ દુનિયા ચલાવી રહ્યા છે અને રાષ્ટ્રપતિ બનવા માટે તેમનાથી વધારે લાયક ઉમેદવાર બીજો કોઈ નથી.