15 April, 2023 12:30 PM IST | New York | Gujarati Mid-day Correspondent
૨૧ વર્ષના જૅક ટેઇક્સરાની ધરપકડ કરી રહેલા અધિકારીઓ.
વૉશિંગ્ટન: અમેરિકન સરકારના ટૉપ-સીક્રેટ ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ લીક થઈ જવાની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. હવે આ મામલે મૅસેચુસેટ્સ ઍર નૅશનલ ગાર્ડના એક મેમ્બરની એફબીઆઇએ ગુરુવારે ધરપકડ કરી હતી. આ મહત્ત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ્સને ઑનલાઇન પોસ્ટ કરવામાં આવ્યા હતા. ઍટર્ની જનરલ મેરિક ગાર્લેન્ડે ગુરુવારે આ જાહેરાત કરી હતી. અમેરિકન એજન્સીઓ દ્વારા વ્યાપક સર્ચ કરવાને પગલે ૨૧ વર્ષના જૅક ટેઇક્સરાની ધરપકડ કરવામાં આવી છે. જૅકે વિડિયો ગેમર્સમાં પૉપ્યુલર એક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ ડૉક્યુમેન્ટ્સને પોસ્ટ કર્યા હતા.
એફબીઆઇએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે અમેરિકન સરકારના સંવેદનશીલ અને સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ તેમ જ મિલિટરી ડૉક્યુમેન્ટ્સને લીક કરવાના સંબંધમાં મૅસેચુસેટ્સમાં નૉર્થ ડાઇટનમાં એક ઘરમાંથી ટેઇક્સરાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ડૉક્યુમેન્ટ્સમાંથી કેટલાક અમેરિકન મીડિયાએ મેળવ્યા છે, જેમાં યુક્રેનમાં યુદ્ધની સ્થિતિ તેમ જ એને લીધે રશિયા અને યુક્રેન સામેના પડકારો સિવાય સાથી દેશો અને દુશ્મન દેશોની વિસ્તારપૂર્વક ઇન્ટેલિજન્સ મૂલ્યાંકનની વિગતો પણ છે.
હજારો લોકોની પાસે અમેરિકન સીક્રેટ ડૉક્યુમેન્ટ્સ પહોંચ્યા હતા. જેને કારણે તપાસનું વર્તુળ મોટું હતું. જોકે તપાસ અધિકારીઓ તરત જ એક ચૅટ ગ્રુપમાં મેમ્બર્સ પર ફોકસ કરીને તપાસ કરવા લાગ્યા. તાત્કાલિક પુરાવા એકત્ર કરવામાં આવ્યા. ટેઇક્સરા મૅસેચુસેટ્સ ઍર નૅશનલ ગાર્ડનો ઍરમૅન છે. ઍર ફોર્સ દ્વારા તેના સર્વિસ રેકૉર્ડની વિગતો ગુરુવારે રિલીઝ કરવામાં આવી હતી. વાસ્તવમાં તેની ઑફિશ્યલ જૉબ સાઇબર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ જર્નીમૅન તરીકેની હતી. ઍરફોર્સ અનુસાર સાઇબર ટ્રાન્સપોર્ટ સિસ્ટમ્સ સ્પેશ્યલિસ્ટ્સની જવાબદારી હોય છે કે ઍર ફોર્સના ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્ક યોગ્ય રીતે ઑપરેટ કરે.
વૉશિંગ્ટન પોસ્ટના બુધવારના રિપોર્ટમાં દસ્તાવેજો લીક કરનારની ઓળખની વિગતોમાં જણાવાયું હતું કે હથિયારો પ્રત્યે લગાવ રાખતો એક યંગ મૅન વિડિયો ગેમર્સમાં પૉપ્યુલર સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ડિસકૉર્ડ પર લગભગ બે ડઝન લોકોના ચૅટરૂમનો એક ભાગ છે.