04 October, 2023 09:40 AM IST | Stockholm | Gujarati Mid-day Correspondent
આ સાયન્ટિસ્ટ્સને ફિઝિક્સનું નોબેલ
સ્ટૉકહોમ (એ.પી.)ઃ એક સેકન્ડના પણ અનેક નાના ભાગમાં ઍટોમ્સમાં ઇલેક્ટ્રૉન્સની મૂવમેન્ટને ઑબ્ઝર્વ કરનારા ત્રણ સાયન્ટિસ્ટને ગઈ કાલે ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો. અમેરિકામાં ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના પિયર્રે ઑગસ્ટિની, જર્મનીમાં લુદવિગ મૅક્સિમિલિયન યુનિવર્સિટી ઑફ મ્યુનિચ તેમ જ મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્વૉન્ટમ ઑપ્ટિક્સના ફેરેન્ક ક્રોઝ તેમ જ સ્વીડનમાં લુંદ યુનિવર્સિટીના ઍની એલ. હુઇલિયરે આ અવૉર્ડ જીત્યો છે.
રૉયલ સ્વીડિશ ઍકૅડમી ઑફ સાયન્સિસ સ્ટૉકહોલ્મમાં આ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી હતી.
અનેક રીતે ઉપયોગી શોધ
આ સાયન્ટિસ્ટ્સે એક ટેક્નિક ડેવલપ કરી છે જે વીજળીના ચમકારા જેવી ફાસ્ટ લાઇટ જનરેટ કરે છે. અત્યારના તબક્કે તો આ સાયન્ટિસ્ટ્સનો હેતુ આપણા બ્રહ્માંડને સારી રીતે સમજવાનો છે. જોકે એવી આશા છે કે આખરે આ શોધથી વધુ સારા ઇલેક્ટ્રૉનિક પ્રોડક્ટ્સ તૈયાર થઈ શકશે તેમ જ રોગોનું ઝડપથી અને વધુ સારી રીતે નિદાન કરવામાં પણ મદદ મળશે.