ઇમરાન પર થયેલા ફાયરિંગે ઊભા કર્યા અનેક સવાલ

05 November, 2022 12:00 PM IST  |  Islamabad | Agency

ચાર દિવસ પહેલાં ક્રાન્તિની વાત, પગમાં જ ગોળી વાગી, હુમલાનો પૉલિટિકલ ફાયદો લેવા જેવી અનેક થિયરીને કારણે પીડિત સામે જ પ્રશ્નાર્થચિહ‍્ન

ફાઈલ તસવીર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે ઇમરાન ખાન પરના હુમલાના ઘટનાક્રમને સતત મૉનિટર કરતા રહીશું.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન પરના હુમલાથી સમગ્ર પાકિસ્તાન ખળભળી ઊઠ્યું છે. ઇમરાનની હાલત સ્થિર છે, પરંતુ પાકિસ્તાનમાં અસ્થિરતાની સ્થિતિ છે. સમગ્ર પાકિસ્તાન વિરોધ પ્રદર્શનની શક્યતાને કારણે હાઈ અલર્ટ પર છે. દરમ્યાન આ હુમલાને લઈને અનેક થિયરી ચાલી રહી છે. 
ઇમરાન ખાન દ્વારા હકીકી માર્ચને અપેક્ષા મુજબ સફળતા મળી નથી. ગયા શનિવારે તો તેઓ લાંબી માર્ચ છોડીને લાહોર પાછા જતા રહ્યા હતા, કેમ કે રૅલીમાં અપેક્ષા અનુસાર ભીડ નહોતી ભેગી થઈ. 
ઇમરાન ખાને ચાર દિવસ પહેલાં ટ્‌વિટર પર ચેતવણી આપી હતી કે પાકિસ્તાનમાં ક્રાન્તિ થવાની છે. હવે જ્યારે સમગ્ર પાકિસ્તાન હાઈ અલર્ટ પર છે ત્યારે સવાલ એ છે કે ચાર દિવસ પહેલાં ક્રાન્તિ થવાની વાત કહી હતી ત્યારે એને માટે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
બીજો એક સવાલ એ પણ છે કે પાકિસ્તાનના મીડિયાએ આ હુમલાને જેટલો જીવલેણ હોવાનો પ્રચાર કર્યો છે એટલો એ ઘાતક પણ નથી. 
ઇમરાને પોતાના પર થયેલા હુમલા બદલ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, શરીફની પાર્ટીના નેતા રાના સનાઉલ્લાહ અને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇના મેજર જનરલ ફૈસલ નસીરનું નામ લીધું છે.
ઇમરાન ખાન પર હુમલો થયો ત્યારે તેઓ સૌથી આગળ હતા. તેમના માથા કે હૃદયના ભાગે પણ હુમલાખોર ગોળી મારી શક્યો હોત, બલકે આગળ બૅનરનો ભાગ હોવાથી પગમાં ગોળી મારવાનું મુશ્કેલ હતું. જોકે ૭૦ વર્ષના ઇમરાન ખાનના જમણા પગમાં ગોળી વાગી હતી. એ પછી તેમને લાહોર લઈ જવાયા હતા. અનેક થિયરી હુમલાના કાવતરાને વધારે રહસ્યમય બનાવે છે. 

પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ઇમરાન ખાન પરના હુમલા બાદ પાકિસ્તાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ઇમરાનના સમર્થકોએ દેશવ્યાપી વિરોધ-પ્રદર્શનની જાહેરાત કરી છે એને કારણે ઇસ્લામાબાદમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઑથોરિટીએ તમામ સ્કૂલો અને મદરેસાઓને તાત્કાલિક બંધ કરવા જણાવ્યું હતું. લૉકડાઉન માટેના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈને લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 

international news pakistan imran khan