03 August, 2024 10:53 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ઇસ્માઇલ હાનિયા
હમાસના ચીફ ઇસ્માઇલ હાનિયાને મારવા આશરે બે મહિના પહેલાં એક બૉમ્બ દાણચોરીના રસ્તે ઈરાનના પાટનગર તેહરાનના એક ગેસ્ટહાઉસમાં પહોંચાડવામાં આવ્યો હોવાનું અમેરિકાના ન્યુ યૉર્ક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અમેરિકા અને મિડલ ઈસ્ટનાં કેટલાંક સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે હમાસના નેતાને મારવા માટે તેહરાનના પૉશ વિસ્તારમાં આવેલા ગેસ્ટહાઉસમાં આ બૉમ્બ પહોંચાડવામાં આવ્યો હતો અને આ માટેનો ઇન્તેજાર ભલે લાંબો હતો, પણ એ ફળદાયી રહ્યો હતો. આ ગેસ્ટહાઉસનું સંરક્ષણ ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ દ્વારા કરવામાં આવે છે, જેમાં અંદર વિશાળ કમ્પાઉન્ડ આવેલું છે.
મંગળવારે સવારે જ્યારે એ કન્ફર્મ થયું કે હાનિયા ગેસ્ટહાઉસની રૂમમાં છે ત્યારે કોઈ દૂરની જગ્યાએથી હુમલાખોરે બૉમ્બને ડિટોનેટ કર્યો હતો અને એક જોરદાર ધમાકો થયો હતો, જેમાં હાનિયા અને તેનો બૉડીગાર્ડ માર્યો ગયો હતો. ગેસ્ટહાઉસની દીવાલો ધરાશાયી થઈ હતી અને બારીઓ તૂટી પડી હતી. જોકે હજી સુધી ઇઝરાયલે આ હત્યાની જવાબદારી સ્વકારી નથી, પણ ઇઝરાયલ ઇન્ટેલિજન્સ અધિકારીઓએ આ હુમલા બાદ આ ઑપરેશનની કેટલીક માહિતી વેસ્ટર્ન મીડિયાને શૅર કરી હતી. ઇઝરાયલે મિસાઇલ અટૅકમાં ઇસ્માઇલ હાનિયાને પતાવી દીધો હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે, પણ સવાલ એ છે કે ઇઝરાયલ ઈરાનમાં આવેલી ઍર ડિફેન્સ સિસ્ટમને કેવી રીતે ભેદી શક્યું હશે? વળી જે નુકસાન થયું છે એ મિનિમમ છે, મિસાઇલના હુમલામાં મોટી ખુવારી થાય છે.
ઍર ઇન્ડિયાની તેલ અવિવની ફ્લાઇટ સસ્પેન્ડ
મિડલ ઈસ્ટમાં ઊભી થયેલી તંગદિલીને પગલે ઍર ઇન્ડિયાએ ઇઝરાયલના તેલ અવિવ જતી અને આવતી ફ્લાઇટો ગુરુવાર સાંજથી ૮ ઑગસ્ટ સુધી સસ્પેન્ડ કરી દીધી હતી. નવી દિલ્હી અને તેલ અવિવ વચ્ચે રોજ ફ્લાઇટનું સંચાલન થાય છે. ઍર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને પ્રવાસીઓને તેમના બુકિંગને આગળ ધકેલવા માટે સહાય કરી રહ્યા છીએ. એક વાર ટિકિટ બદલાવવા કે કૅન્સલેશન માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. પ્રવાસીઓની સલામતી એ અમારી પ્રાયોરિટી છે.