30 November, 2022 11:11 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય મિડ-ડે
ઇસ્લામાબાદ : પાકિસ્તાન સરકાર સાથેના યુદ્ધવિરામનો અંત લાવ્યા બાદથી આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) ચર્ચામાં છે. ટીટીપીએ સમગ્ર પાકિસ્તાનમાં હુમલા કરવા પોતાના આતંકવાદીઓને આદેશ આપ્યો છે, જેનાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાનના સરહદી એરિયામાં ટીટીપીની તાકાત છે. નોંધપાત્ર છે કે ટીટીપી સાથેના યુદ્ધવિરામનો અંત આવવાથી આતંકવાદને સતત પોષણ આપતા રહેતા પાકિસ્તાન માટે મુશ્કેલી સર્જાઈ છે. પાકિસ્તાન અત્યાર સુધી પોતાની ધરતી પર આતંકવાદીઓને તમામ રીતે સહાય પહોંચાડી રહ્યું છે. જોકે, હવે એના લીધે જ પાકિસ્તાનના શાસકોની ચિંતા વધી છે.
કેવી રીતે ટીટીપી બન્યું?
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અનેક નાનાં-નાનાં આતંકવાદી સંગઠનોને મળીને બન્યું છે. પાકિસ્તાનની આર્મી સામે લડવા માટે ૨૦૦૭માં આ આતંકવાદી સંગઠનોએ ટીટીપીની રચના કરી હતી, જેને પાકિસ્તાન તાલિબાન પણ કહેવામાં આવે છે. એક અંદાજ અનુસાર ટીટીપીમાં ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ જેટલા યોદ્ધા છે. અફઘાનિસ્તાનના તાલિબાનથી ટીટીપી અલગ છે. જોકે ટીટીપી અફઘાનિસ્તાન તાલિબાનની વિચારધારાને સપોર્ટ આપે છે. ટીટીપીનો હેતુ પાકિસ્તાનમાં શરિયા પર આધારિત એક કટ્ટરવાદી ઇસ્લામિક શાસન લાગુ કરવાનો છે.
આતંકવાદી સંગઠન અલ-કાયદાની સાથે ટીટીપીના મજબૂત સંબંધો હોવાનું મનાય છે. મે ૨૦૧૦માં ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વૅર પર થયેલા હુમલામાં ટીટીપીનું નામ આવ્યું હતું. આ સંગઠને જ ઓસામા બિન લાદેનની હત્યા બાદ અમેરિકા પર હુમલા કરવાની ધમકી આપી હતી.
તહરીક-એ-તાલિબાનના છ આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવરમાં ૨૦૧૪ની ૧૬ ડિસેમ્બરે આર્મી સ્કૂલ પર હુમલો કર્યો હતો, જેમાં લગભગ ૨૦૦ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. આ હુમલાથી ટીટીપીનું નામ ફરી ચર્ચાવા લાગ્યું.
ટીટીપીનો હેતુ પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકારને નાબૂદ કરવાનો છે, જેના માટે આ સંગઠને સીધી રીતે અનેક વખત પાકિસ્તાનની આર્મી પર હુમલો કર્યો છે અને અનેક પાકિસ્તાની નેતાઓની હત્યા કરી છે.