પચીસ વર્ષ પહેલાં આવેલા વિનાશક ધરતીકંપ બાદ તાઇવાને એનું પુનરાવર્તન રોકવા માટે કરી હતી વર્લ્ડ-ક્લાસ તૈયારી

04 April, 2024 09:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૯ : ૭.૭ની તીવ્રતાનો ભૂકંપ અને ૨,૪૦૦થી વધારે મૃત્યુ , ૨૦૨૪ : ૭.૪ની તીવ્રતાનો ભૂકંપ અને માત્ર નવ લોકોનાં મૃત્યુ

ભૂકંપ બાદ તાઈવાનની ઇમારતની તસવીર

તાઇવાનમાં બુધવારે સવારે પીક અવર્સમાં લોકો ઑફિસ-કામધંધાના સ્થળે પહોંચવા માટે દોડધામમાં હતા ત્યારે ૭.૪ની તીવ્રતાનો પાવરફુલ ભૂકંપ આવતાં નાસભાગ મચી હતી. બુધવારે સાંજ સુધીમાં ભૂકંપને કારણે ૯ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું કન્ફર્મ થયું હતું. ભૂકંપનું કેન્દ્ર તાઇવાનના પૂર્વ કાંઠે આવેલું હુલિયાન નામના સ્થળ નજીક હતું. જોકે હજી પણ સેંકડો લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. સરકારના જણાવ્યા પ્રમાણે કોલસાની બે અલગ-અલગ ખાણમાં ૭૦ શ્રમિકો ફસાયા છે જેમને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, પણ બાદમાં આ વૉર્નિંગ દૂર કરાઈ હતી. ભૂકંપના આંચકા શાંઘાઈ સહિત દક્ષિણ ચીનના વિવિધ વિસ્તારો સુધી અનુભવાયા હતા.

તાઇવાન અને પૅસિફિક રિંગ ઑફ ફાયરનું કનેક્શન

પૅસિફિક મહાસાગરમાં રિંગ ઑફ ફાયરના નામે ઓળખાતી રેખા પર તાઇવાન આવેલું છે. આ પૅસિફિક રિંગ ઑફ ફાયર પર આવતા એરિયામાં વિશ્વમાં સૌથી વધુ ભૂકંપ આવતા હોય છે. તાઇવાનમાં છેલ્લે ૧૯૯૯ની ૨૧ સપ્ટેમ્બરે ૭.૭ની તીવ્રતાનો પાવરફુલ ભૂકંપ આવ્યો હતો, જેમાં ૨૪૦૦થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.  

શક્તિશાળી ભૂકંપ છતાં ઓછા મરણાંકનું કારણ 
મિસુરી યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીના પ્રોફેસર અને સિસ્મોલૉજિસ્ટ સ્ટીફન ગાઓના મતે ભૂકંપ સામેની સજ્જતામાં તાઇવાનના લોકો વિશ્વમાં સૌથી ઍડ્વાન્સ છે. આ દેશમાં વર્લ્ડ-ક્લાસ સિસ્મોલૉજિકલ નેટવર્ક છે અને એટલે જ ભયાવહ ભૂકંપ છતાં મરણાંક પ્રમાણમાં ઓછો છે. 

ભૂકંપ પછી કેવી સ્થિતિ સર્જાઈ
અનેક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર તૂટી પડ્યા હતા. સ્કૂલોમાં બાળકોને મેદાનમાં ખસેડવામાં આવ્યાં હતાં. મોબાઇલ નેટવર્ક ઠપ થઈ જવાથી લોકો એકમેકનો સંપર્ક કરી શકતા નહોતા, જેને કારણે બચાવ-કામગીરીને અસર પહોંચી હતી. પર્વતીય વિસ્તારોમાં એક પછી એક ભૂસ્ખલનને કારણે રસ્તા પર મસમોટા પથ્થરો તૂટી પડતાં કલાકો સુધી ટ્રાફિક-જૅમ સર્જાયો હતો.અંદાજે ૨.૩ કરોડની વસ્તી ધરાવતા તાઇવાનમાં ટ્રેનસેવા સંપૂર્ણપણે સ્થગિત કરાઈ હતી.

તાઇવાનમાં ભૂકંપ આવ્યો એના કલાકો પહેલાં એક વ્યક્તિએ ચેતવણી આપી દીધી હતી
ભૂકંપના કલાકો પહેલાં તાઇવાનની એક મહિલાએ સાંજનો ફોટો પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે આકાશ સુંદર અને થોડું વિચિત્ર લાગી રહ્યું છે. આ ફોટો પર એક માણસે એવી કમેન્ટ કરી હતી કે આકાશ તો સુંદર છે, પણ આ સાંજ ભૂકંપની યાદ અપાવી રહી છે. આ માણસ ૧૯૯૯માં આવેલા ભૂકંપની વાત કરી રહ્યો હતો જ્યારે ૭.૭ની તીવ્રતાના ભૂકંપે તાઇવાનમાં તબાહી મચાવી હતી. તેની કમેન્ટ વાઇરલ થતાં એક યુઝરે લખ્યું કે આ તો ભવિષ્યવાણી છે, જ્યારે બીજાએ લખ્યું કે આ વ્યક્તિએ હવામાન ખાતામાં કામ કરવું જોઈએ. એક વિડિયો એવો પણ વાઇરલ થયો હતો જેમાં એક ડૉગી પોતાના માલિક પાસે દોડી જાય છે, જાણે એને ભૂકંપનો અણસાર આવી ગયો હોય. એની થોડી ક્ષણો પછી ધરતી ધ્રૂજવા લાગે છે. 

9
ગઈ કાલે રાત સુધી આટલા લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ હતી અને ૯૩૪ લોકો ઘાયલ થયા હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું

7.4

આટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

50
આટલા પૅસેન્જર સાથેની મિની બસ ત્યાંના નૅશનલ પાર્કમાંથી ગુમ થઈ ગઈ હતી

24
આટલી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું

35
આટલી જગ્યાએ રોડ, પુલો અને ટનલ્સને નુકસાન થયું 

taiwan earthquake international news