midday

સુનીતા વિલિયમ્સને સ્પેસમાં વધારાના દિવસો રોકાવા બદલ રોજના માત્ર ૩૪૭ રૂપિયા એક્સ્ટ્રા મળશે

18 March, 2025 07:47 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

NASAનું કહેવું છે કે અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં ટે​ક્નિકલી ફસાઈ ગયા નથી, તેઓ ISSમાં  રેગ્યુલર કામ કરી રહ્યા છે.
સુનીતા વિલિયમ્સ

સુનીતા વિલિયમ્સ

નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)નાં ઍસ્ટ્રોનૉટ્સ સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોર આઠ દિવસના મિશન માટે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS) ગયાં હતાં, પણ ટે​ક્નિકલ કારણોસર તેઓ નવ મહિના માટે ISSમાં ફસાઈ ગયાં હતાં. તેઓ હવે જલદી જ પાછાં ફરે એવી શક્યતા છે ત્યારે સુનીતાને નવ મહિનાના આ મિશન માટે કેટલું વેતન મળશે એ સવાલ ચર્ચાઈ રહ્યો છે. આઠ દિવસને બદલે નવ મહિના ચાલેલા આ મિશન માટે સુનીતાને વધારે પગાર મળશે એવું લોકો વિચારે છે, પણ અમેરિકન સરકાર તેમને જેટલું વેતન ચૂકવવામાં આવે છે એટલું જ ચૂકવશે અને વધારાના વેતન તરીકે રોજના ચાર ડૉલર (આશરે ૩૪૭ રૂપિયા) ચૂકવવામાં આવશે જે આશરે ૧૧૪૮ ડૉલર (આશરે એક લાખ રૂપિયા) જેટલા થવા જાય છે.

NASAના રિટાયર્ડ અવકાશયાત્રી કેડી કોલમૅને કહ્યું હતું કે ‘ઍસ્ટ્રોનૉટ્સ માટે કોઈ સ્પેશ્યલ પગાર-પૅકેજ હોતું નથી, તેઓ સરકારી કર્મચારી છે અને સ્પેસમાં રહેવાના સમયને પૃથ્વી પર રેગ્યુલર કામ માટે વર્ક-ટ્રિપમાં ચૂકવાય એટલું જ વેતન ચૂકવવામાં આવે છે. NASA તેમના ફૂડ અને બીજા ખર્ચ ઉપાડે છે. અવકાશયાત્રીઓને વધારાના રોજના ચાર ડૉલર ચૂકવાય છે. ૨૦૧૦-’૧૧માં ૧૫૯ દિવસના મારા મિશનમાં મને ૬૩૬ ડૉલર (આશરે ૫૫,૦૦૦ રૂપિયા) વધારાના વેતન તરીકે ચૂકવવામાં આવ્યા હતા.’

સુનીતાને હાઇએસ્ટ લેવલનો પગાર

સુનીતા અને બચ વિલ્મોરને સરકારી કર્મચારીઓ માટેના હાઇએસ્ટ લેવલનો પગાર મળે છે. આવા કર્મચારીઓનો પગાર ૧,૨૫,૧૩૩ ડૉલરથી ૧,૬૨,૬૭૨ ડૉલર (આશરે ૧.૦૮ કરોડથી ૧.૪૧ કરોડ રૂપિયા) હોય છે. સુનીતા વિલિયમ્સને નવ મહિના સ્પેસ સ્ટેશનમાં રહેવા માટે ૯૩,૮૫૦ ડૉલરથી ૧,૨૨,૦૦૪ ડૉલર (આશરે ૮૧ લાખથી ૧.૦૫ કરોડ રૂપિયા)નો પગાર મળશે. વધારાના વેતન તરીકે તેમને આશરે એક લાખ રૂપિયા મળશે.

NASAએ શું કહ્યું?
NASAનું કહેવું છે કે અવકાશયાત્રીઓ સ્પેસ સ્ટેશનમાં ટે​ક્નિકલી ફસાઈ ગયા નથી, તેઓ ISSમાં  રેગ્યુલર કામ કરી રહ્યા છે.

international news world news international space station sunita williams