સુનીતા વિલિયમ્સનું ઘટી રહેલું વજન વૈજ્ઞાનિકો માટે બન્યો ચિંતાનો વિષય

11 November, 2024 11:22 AM IST  |  washington | Gujarati Mid-day Correspondent

અવકાશયાત્રીનો ૮ દિવસનો પ્રવાસ ૧૫૦ દિવસનો થઈ ગયો

સુનીતા વિલિયમ્સ પહેલાં (ડાબે), અત્યારે (જમણે)

માત્ર આઠ દિવસના સ્પેસ મિશન માટે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનમાં પહોંચેલી અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છેલ્લા ૧૫૦ દિવસથી સ્પેસ સ્ટેશનમાં ફસાઈ છે અને તેનું વજન ઊતરતાં તે દૂબળી દેખાઈ રહી છે. આ મુદ્દે નાસા (નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્​મિનિસ્ટ્રેશન)એ પણ ચિંતા વ્યક્ત કરી છે અને તેની તબિયતની કાળજી લેવાની શરૂઆત કરી છે. નાસા હાલમાં સુનીતા વિલિયમ્સ અને બીજા અવકાશયાત્રી બચ વિલ્મોરની તબિયતસંબંધી બાબતોનું નિરીક્ષણ કરે છે. જોકે નાસાના ડૉક્ટરોએ કહ્યું છે કે તમામ અવકાશયાત્રીઓની તબિયત સારી છે અને વિશેષ ફ્લાઇટ સર્જ્યન તેમની તબિયત પર ધ્યાન આપી રહ્યા છે.

સુનીતા વિલિયમ્સ સ્પેસ સ્ટેશનને બીજું ઘર માને છે, પણ લાંબા સમય સુધી સ્પેસ સ્ટેશનમાં રહેવાથી તેનું વજન ઊતરી ગયું છે અને મોં પર એની સ્પષ્ટ અસર દેખાય છે. હાલમાં બહાર આવેલી તસવીરોમાં દેખાય છે કે તેના ગાલ બેસી ગયા છે. આ સંદર્ભમાં નાસાના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમારો પહેલો પ્રયાસ તેનું વજન વધારવાનો છે અને તે ફિટ બની જાય એવો છે. તેનું મોં બેસી ગયું છે અને એ તસવીર જોઈને અમને પણ ધક્કો લાગ્યો છે. દરેક જણ આ બાબતે ગંભીર છે.’

વજન કેવી રીતે ઊતરી ગયું?

સુનીતા વિલિયમ્સે અવકાશયાત્રા શરૂ કરી ત્યારે તેનું વજન ૧૪૦ પાઉન્ડ હતું. તે આઠ દિવસ માટે ગઈ હતી, પણ તેનો સ્ટે લંબાઈ ગયો. તેનું વજન જાળવી રાખવા માટે હાઈ-કૅલરી ફૂડ લેવું જરૂરી છે. તેણે રોજ ૩૫૦૦થી ૪૦૦૦ કૅલરીનો ખોરાક લેવાનો રહે છે, પણ એ શક્ય ન હોવાથી તેનું વજન ઘટી રહ્યું છે.

નાસાના ડૉક્ટરોએ છેલ્લા એક મહિનાથી સુનીતા વિલિયમ્સની તબિયત બાબતે કાળજી લેવાનું શરૂ કરી દીધું છે. આકાશમાં મસલ્સ અને બોન્સ (સ્નાયુ અને હાડકાં) મજબૂત રાખવા માટે રોજ બે કલાક કામ કરવું પણ જરૂરી છે. આ કામ કરવામાં વધારાની કૅલરી વપરાઈ જાય છે. સ્પેસ ટ્રાવેલમાં પુરુષ અવકાશયાત્રીની સરખામણીમાં મહિલા અવકાશયાત્રીના સ્નાયુ જલદી તૂટવા લાગે છે અને તેથી આમ થયું છે. એકદમ ઊંચાઈએ નાનકડી પ્રેસરાઇઝ્ડ કૅબિનમાં રહેવાથી પણ સ્ટ્રેસ આવે છે એટલે પણ વજન ઘટી શકે છે.

nasa international space station international news news world news