20 March, 2025 12:40 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
સુનીતા વિલિયમ્સ સ્માઇલ સાથે અને થમ્બ-અપ કરીને બહાર આવ્યાં હતાં.
નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)નાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરની પૃથ્વી પર સુરક્ષિત વાપસી થઈ છે. તેમનો ૮ દિવસનો પ્રવાસ ૯ મહિના સુધી લંબાયો હતો અને છેવટે ઈલૉન મસ્કની કંપની સ્પેસઍક્સના ડ્રૅગન કૅપ્સ્યુલમાં તેઓ ૧૭ કલાકનો પ્રવાસ કર્યા બાદ ભારતીય સમય મુજબ ગઈ કાલે વહેલી સવારે અમેરિકામાં ફ્લૉરિડાના તટે મેક્સિકોની ખાડીમાં ટૅલહાસી પાસે ઊતર્યાં હતાં. ત્યારે અમેરિકામાં સાંજનો સમય હતો. સુનીતા અને બચ વિલ્મોર સાથે NASAના નિક હેગ અને કૉસ્મોનૉટ ઍલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સ્પેસ સ્ટેશનમાંથી પૃથ્વી પર પાછા ફર્યા છે.
જોકે હવે પૃથ્વી પર સામાન્ય જીવન તેઓ જીવી શકે એ માટે સુનીતા અને બચ વિલ્મોરને ૪૫ દિવસના રીહૅબિલિટેશન પ્રોગ્રામમાં રહેવું પડશે, જેમાં તેઓ પૃથ્વી પર જીવવા માટે ઍડ્જસ્ટ થઈ જશે.
ડૉલ્ફિનોએ કર્યું સ્વાગત
અવકાશયાત્રીઓને લઈને કૅપ્સ્યુલ જ્યારે પાણીમાં ઊતરી ત્યારે ડૉલ્ફિનોએ તેમનું સ્વાગત કર્યું હોય એવું દૃશ્ય સર્જાયું હતું, કારણ કે કૅપ્સ્યુલની આસપાસ ડૉલ્ફિનનું ઝુંડ જોવા મળ્યું હતું. NASAના વિડિયોમાં જોવા મળી રહ્યું હતું કે કેવી રીતે આ સમુદ્રી જીવો તરતાં-તરતાં કૅપ્સ્યુલને ઘેરી વળ્યા હતા. આ દૃશ્યએ અવકાશયાત્રીઓની વાપસીયાત્રામાં અનોખો રંગ ભરી દીધો હતો.
સુરક્ષા-પ્રોટોકૉલનું ધ્યાન રાખ્યું
અવકાશયાત્રીઓ પાછાં ફર્યાં ત્યારે NASAએ તેમની સુરક્ષા માટેના તમામ પ્રોટોકૉલનું ધ્યાન રાખ્યું હતું. કૅપ્સ્યુલ પાણીમાં ઊતરી એ પછી રિકવરી-ટીમે કૅપ્સ્યુલને પાણીની બહાર કાઢ્યા બાદ રિકવરી વેસલ પર મૂકી હતી. રિકવરી શિપ પર એ લાવવામાં આવી હતી. ત્યાર બાદ કૅપ્સ્યુલ ખોલવામાં આવી હતી અને સુનીતા સહિતના અવકાશયાત્રીઓને એક પછી એક બહાર કાઢવામાં આવ્યાં હતાં. મેડિકલ તપાસ બાદ તેમને NASAના હ્યુસ્ટન ખાતે આવેલા લિંડન બી. જૉન્સન સ્પેસ સેન્ટરમાં લઈ જવામાં આવ્યાં હતાં.
૪૫ દિવસનો રીહૅબિલિટેશન પ્રોગ્રામ
નવ મહિના સુધી સ્પેસ સ્ટેશનમાં રહ્યા બાદ સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને પૃથ્વી પર જીવન જીવવા માટે ઍડ્જસ્ટ થવા ૪૫ દિવસના રીહૅબિલિટેશન પ્રોગ્રામમાં સામેલ થવું પડશે. સ્પેસ સ્ટેશનમાં ગુરુત્વાકર્ષણ નહીં હોવાથી વજનનો આભાસ થતો નથી, પણ પૃથ્વી પર વજન લાગે છે, ઓછી ઘનતાવાળા વાતાવરણમાં રહેવાથી માનવશરીર પર અસર પડે છે, માથાની સાઇઝ વધે છે, પગ બેબી જેવા થાય છે; એટલે આ તમામ અસરો ખાળવા માટે તેમને આટલા દિવસ મેડિકલ ઑબ્ઝર્વેશનમાં જ રહેવું પડશે.
ત્રણ તબક્કાનો પ્રોગ્રામ
ત્રણ તબક્કાનો આ પ્રોગ્રામ લૅન્ડિંગના દિવસથી શરૂ થાય છે અને પહેલા તબક્કામાં શરીરની લવચીકતા અને સ્નાયુઓને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવે છે. બીજા તબક્કામાં કસરત અને લોહીની નસોના કામ પર ધ્યાન આપવામાં આવે છે. ત્રીજો તબક્કો સૌથી લાંબો હોય છે અને એમાં કાર્યાત્મક વિકાસ પર ધ્યાન આપવામાં આવે છે.
દરેક માટે અલગ પ્રોગ્રામ
દરેક અવકાશયાત્રી માટે NASA અલગ રીહૅબિલિટેશન પ્રોગ્રામ તૈયાર કરે છે. લાંબી ફ્લાઇટ બાદ રીકન્ડિશનિંગ તબક્કો પૂરો થયા બાદ એવું દર્શાવવામાં આવે છે કે તેઓ પાછાં ફર્યાં છે.
સ્ટ્રેચર પર બેસાડીને કેમ બહાર લાવવામાં આવ્યાં?
ડ્રૅગન કૅપ્સ્યુલ ખોલ્યા બાદ NASAના પ્રોટોકૉલ મુજબ તમામ અવકાશયાત્રીઓને સ્ટ્રેચર પર રાખીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ સમયે સુનીતાના મોં પર તેમની ચિરપરિચિત સ્માઇલ હતી. તેમની આ સ્માઇલે સેફ્ટી-ટીમને પણ સ્માઇલ આપવા મજબૂર કરી દીધી હતી.
અવકાશયાત્રીઓ ઘાયલ કે બીમાર હોતા નથી, પણ સુરક્ષાના પ્રોટોકૉલ હેઠળ તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવે છે. એનું પાલન તમામ અવકાશયાત્રીઓએ કરવું પડે છે.
સ્પેસ સ્ટેશનમાં રહ્યા બાદ અવકાશયાત્રીઓ જ્યારે પૃથ્વી પર પાછા ફરે છે ત્યારે તેઓ તરત ચાલી શકતા નથી. સ્પેસ સ્ટેશનમાં તેમના શરીરમાં ઘણા બદલાવ થતા હોય છે અને આવા બદલાવને લઈને NASA સખત સુરક્ષા-પ્રક્રિયા અપનાવે છે એટલે સ્ટ્રેચરનો ઉપયોગ થાય છે. ઘણા અવકાશયાત્રીઓ સ્ટ્રેચર પર બહાર આવવા માગતા નથી, પણ તેમને એ સમજાવી દેવામાં આવે છે કે આ એકદમ જરૂરી છે.
એક અવકાશયાત્રીના જણાવ્યા મુજબ સ્પેસમાં રહેવાથી અવકાશયાત્રીઓને સ્પેસ મોશન-સિકનેસ થઈ શકે છે. જેમ રોલર કોસ્ટર કે ઊંચી લહેરોમાં બોટમાં પ્રવાસ કરતાં જે મોશન-સિકનેસ થાય એવી એ હોય છે. આથી અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા ફર્યા બાદ ચક્કર આવવાં, ઊલટી થાય એવું લાગે છે. આને કારણે સાવધાનીના ભાગરૂપે તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવે છે.
ડ્રૅગન કૅપ્સ્યુલની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો
સ્પેસઍક્સની ડ્રૅગન કૅપ્સ્યુલની સ્પીડ ૧૭,૦૦૦ માઇલ પ્રતિ કલાકની હતી, પણ પૃથ્વીની કક્ષામાં પહોંચીને એણે પોતાની સ્પીડ ઘટાડી હતી અને ધરતીથી નજીક આવ્યા બાદ એણે બે પૅરૅશૂટ ખોલી દીધી હતી. આને કારણે એની સ્પીડ પ્રતિ કલાક માત્ર વીસ માઇલ સુધી ઓછી થઈ હતી. ત્યાર બાદ તેણે વધુ બે પૅરૅશૂટ ખોલી દીધી હતી.