19 March, 2025 02:47 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને લઈને નીકળેલું ‘ડ્રૅગન’.
સુનીતા વિલિયમ્સે ભારતીય સમય મુજબ ગઈ કાલે સવારે ૧૦.૩૫ વાગ્યે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશનને બાય-બાય કર્યું હતું અને ૧૭ કલાકની રિટર્ન જર્નીનો આરંભ કર્યો હતોઃ નવ મહિનાથી ફસાયેલાં સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરનું ભારતીય સમય મુજબ આજે વહેલી સવારે ૩.૨૭ વાગ્યે અમેરિકાના ફ્લૉરિડામાં લૅન્ડ થવાનું શેડ્યુલ હતું\
નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન (NASA)નાં ભારતીય મૂળનાં અમેરિકી અવકાશયાત્રી ૫૯ વર્ષનાં સુનીતા વિલિયમ્સ અને અમેરિકન અવકાશયાત્રી ૬૨ વર્ષના બચ વિલ્મોરે ભારતીય સમય મુજબ ગઈ કાલે સવારે ૧૦.૩૫ વાગ્યે ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માંથી પૃથ્વી પર પાછાં ફરવાની જર્ની આરંભી હતી. ઈલૉન મસ્કની કંપની સ્પેસઍક્સની કૅપ્સ્યુલમાં બેસીને તેમણે સ્પેસ સ્ટેશન સાથે ભારતીય સમય મુજબ સવારે ૧૦.૩૫ અનડૉક કર્યું હતું. જો બધું બરાબર રહે, વેધર પણ સાથ આપે તો આશરે ૧૭ કલાકના પ્રવાસ બાદ ભારતીય સમય મુજબ આજે વહેલી સવારે ૩.૨૭ વાગ્યે તેમની કૅપ્સ્યુલ અમેરિકાના ફ્લૉરિડામાં સમુદ્રતટે ઊતરે શેડ્યુલ એવું હતું.
સુનીતા વિલિયમ્સ અને બચ વિલ્મોરને લાવવા માટે શુક્રવારે સ્પેસઍક્સનું રૉકેટ ફાલ્કન 9 લૉન્ચ થયું હતું અને ૨૮ કલાકની મુસાફરી બાદ ISS પહોંચ્યું હતું. આ રૉકેટને ‘ડ્રૅગન’ નામ આપવામાં આવ્યું હતું. આ મિશનને ક્રૂ-10 નામ આપવામાં આવ્યું હતું, જેમાં ચાર અવકાશયાત્રી સ્પેસ સ્ટેશન પહોંચ્યાં હતાં. આ મિશન રિટર્ન જર્નીમાં સુનીતા અને બચને લઈને પૃથ્વી પર પાછું આવવા નીકળ્યું હતું.
નવ મહિના સ્પેસ સ્ટેશનમાં રહ્યાં
સુનીતા અને બચ ૨૦૨૪ના જૂન મહિનામાં માત્ર ૮ દિવસની અવકાશયાત્રા માટે રવાના થયાં હતાં પણ તેઓ જે બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ગયાં હતાં એમાં ખામી સર્જાતાં તેમનો સ્પેસ સ્ટેશનમાં મુકામ વધીને ૯ મહિના થયો હતો.
ફાઇનલ ફોટો લીધો
સુનીતા વિલિયમ્સ ત્રણ વાર સ્પેસ સ્ટેશનમાં ગયાં છે, પણ આ વખતે ૯ મહિનાના વસવાટ બાદ તેઓ પૃથ્વી પર પાછાં ફરી રહ્યાં હતાં એટલે તેમણે ત્યાંથી નીકળતાં પહેલાં સ્પેસ સ્ટેશનમાં ફોટોગ્રાફ ખેંચાવ્યો હતો. તેમની સાથે સાથી અવકાશયાત્રીઓ પણ જોડાયા હતા. NASAએ સોશ્યલ મીડિયામાં શૅર કરેલા વિડિયોમાં દેખાય છે કે સુનીતા અને બચ સ્પેસઍક્સના સ્પેસક્રાફ્ટ ડ્રૅગનમાં બેસતાં પહેલાં સ્પેસ સ્ટેશનમાં તસવીરો લઈ રહ્યાં છે. ડ્રૅગન સ્પેસક્રાફ્ટે જ્યારે સ્પેસ સ્ટેશનથી સફળતાપૂર્વક અનડૉક કર્યું એની પણ ખૂબસૂરત તસવીરો લેવામાં આવી હતી.
સુનીતા વિલિયમ્સે પૃથ્વીનાં ૪૫૭૬ ચક્કર લગાવ્યાં, ૧૯.૫૨ કરોડ કિલોમીટર (૧૨.૧૪ કરોડ માઇલ)નો પ્રવાસ કર્યો
સુનીતા અને બચ વિલ્મોરે ૨૮૫ દિવસના સ્પેસ સ્ટેશનના રહેઠાણ વખતે પૃથ્વીની ફરતે ૪૫૭૬ ચક્કર લગાવ્યાં હતાં. આ દરમ્યાન તેમણે કુલ ૧૨, ૧૪, ૪૭, ૪૯૧ માઇલ (આશરે ૧૯,૫૨,૮૯,૮૫૬ કિલોમીટર)નો પ્રવાસ કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ સુનીતા વિલિયમ્સને લખ્યો પત્ર, ભારત આવવાનું આમંત્રણ આપ્યું
નરેન્દ્ર મોદીએ NASAનાં અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સને પત્ર લખીને ભારત આવવા આમંત્રણ આપ્યું છે. કેન્દ્રીય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે સોશ્યલ મીડિયા પર વડા પ્રધાને સુનીતા વિલિયમ્સને લખેલો પત્ર શૅર કર્યો હતો.
વડા પ્રધાને પત્રમાં લખ્યું છે : ‘આખી દુનિયા સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર સુરક્ષિત વાપસીની પ્રતીક્ષા કરી રહી છે ત્યારે ભારત તેની આ બેટી પ્રત્યે પોતાની ચિંતા અને સ્નેહ વ્યક્ત કરે છે. ભલે તમે હજારો માઇલો દૂર હો, પણ તમે અમારા દિલથી નજીક છો. હું ભારતની જનતા તરફથી આપને શુભકામના મોકલી રહ્યો છું. એક કાર્યક્રમમાં મારી મુલાકાત પ્રસિદ્ધ અવકાશયાત્રી માઇક મેસિમિનો સાથે થઈ, વાતચીતમાં તમારું નામ આવ્યું અને આ મુદ્દે પણ અમે ચર્ચા કરી કે તમે અને તમારા કામ પર અમને કેટલો ગર્વ છે. આ ચર્ચા બાદ હું તમને પત્ર લખવા માટે ખુદને રોકી શક્યો નહીં. અમેરિકા યાત્રા દરમ્યાન જ્યારે પણ પ્રેસિડન્ટ ટ્રમ્પ કે ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડન સાથે મુલાકાત કરી ત્યારે મેં હંમેશાં તમારી કુશળતા વિશે વાત કરી હતી. ૧.૪ અબજ ભારતીયો આપની સફળતા પર ગર્વ કરે છે. આપની વાપસી બાદ અમે ભારતમાં તમારું સ્વાગત કરવા ઉત્સુક છીએ, ભારત માટે એ ગર્વની વાત હશે કે તે પોતાની એક પ્રતિષ્ઠિત દીકરીનું સ્વાગત કરશે.’
વર્લ્ડ રેકૉર્ડ રશિયનના નામે
સ્પેસમાં એકસાથે લાગલગાટ સૌથી વધારે દિવસ રહેવાનો વર્લ્ડ રેકૉર્ડ રશિયન કૉસ્મોનૉટ વાલેરી પોલ્યાકોવના નામે છે. તે લાગલગાટ ૪૩૭ દિવસ રહ્યો હતો.