પહેલવહેલી વાર પ્રાઇવેટ મિશનમાં આમ આદમીએ ધરતીથી ૭૩૭ કિલોમીટરની ઊંચાઈએ સ્પેસવૉક કર્યું

13 September, 2024 08:49 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પોલારિસ ડૉન મિશનમાં ચાર લોકો પહેલી વખત અંતરીક્ષમાં ડ્રૅગન કૅપ્સ્યુલમાં ગયા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સ્પેસઍક્સના પોલારિસ ડૉન મિશને નવો રેકૉર્ડ બનાવ્યો છે. પહેલી વખત પૃથ્વીથી ૭૩૭ કિલોમીટની ઊંચાઈએ સામાન્ય લોકોએ સ્પેસવૉક કર્યું છે. અપોલો મિશન પૂરું થયા પછી ૫૦ વર્ષમાં પહેલી વખત આવું થયું છે. પોલારિસ ડૉન મિશનમાં ચાર લોકો પહેલી વખત અંતરીક્ષમાં ડ્રૅગન કૅપ્સ્યુલમાં ગયા છે. ચાર લોકોમાં કમાન્ડર જારેડ આઇસેકમૅન, પાઇલટ સ્કૉટ પોટીટ, મિશન સ્પેશ્યલિસ્ટ સારા ગિલિસ અને અન્ના મેનનનો સમાવેશ છે. કમાન્ડર જારેડ આઇસેકમૅન ઑન્ટ્રપ્રનર છે અને તેઓ આ મિશનને ફન્ડિંગ કરી રહ્યા છે. અમેરિકા, રશિયા અને ચીન સહિતના દેશોના અવકાશયાત્રી સ્પેસમાં ગયા છે; પણ પ્રાઇવેટ મિશનમાં સામાન્ય લોકોએ સ્પેસવૉક કર્યું હોય એવી આ પહેલી ઘટના છે.

પાઇલટ સ્કૉટ પોટીટ અમેરિકન ઍરફોર્સના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ કર્નલ છે, જ્યારે સારા ગિલિસ અને અન્ના મેનન સ્પેસઍક્સનાં એન્જિનિયર છે. આ તમામે પહેલી વખત ગઈ કાલે સ્પેસવૉક કર્યું ત્યારે ડ્રૅગન કૅપ્સ્યુલની ધરતીથી ઊંચાઈ ૭૩૭ કિલોમીટરની હતી. અપોલોના સમય બાદનું આ સૌથી ઊંચું સ્પેસ મિશન છે.

અમેરિકાના ફ્લૉરિડા રાજ્યમાં આવેલા કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી પોલારિસ ડૉન મિશન ૧૦ સપ્ટેમ્બરે ફાલ્કન-૯ રૉકેટની મદદથી લૉન્ચ કરવામાં આવ્યું હતું.

international space station international news