16 January, 2025 12:06 PM IST | Cape Town | Gujarati Mid-day Correspondent
છ મહિનાથી જમીનની અઢી કિલોમીટર નીચે સેંકડો ફસાયા
સાઉથ આફ્રિકામાં આવેલી સોનાની એક ત્યજી દેવામાં આવેલી ખાણની દર્દનાક કહાની બહાર આવી છે જેમાં ગેરકાયદે ખાણકામ કરી રહેલા સેંકડો મજૂરોમાંથી ૧૦૦ જણનાં મૃત્યુ થયાં છે અને હજી આ ખાણમાં ૫૦૦ જેટલા મજૂરો ફસાયા છે. ચોમેર સોનાના ભંડાર ધરાવતી આ ખાણમાં અનેક મહિનાઓથી ફસાયેલા મજૂરોએ ભૂખ અને તરસથી દમ તોડી દીધો હતો.
ક્યારથી ખાણમાં ફસાયા છે મજૂરો?
સાઉથ આફ્રિકામાં જોહનિસબર્ગથી ૧૫૦ કિલોમીટર દૂર સ્ટીલફોન્ટેન શહેર પાસે આવેલી બફેલ્સફોન્ટેન ખાણને ઘણાં વર્ષો પહેલાં ત્યજી દેવામાં આવી હતી. આ ખાણમાં સોનાના ભંડાર હોવાથી ૨૦૨૪ના જુલાઈ મહિનાથી સેંકડો ખાણમજૂરો એની અંદર ઊતર્યા હતા અને ગેરકાયદે ખોદકામ કરીને સોનું બહાર કાઢતા હતા. જોકે ગયા વર્ષે જ નવેમ્બર મહિનામાં આ ખાણમાં મજૂરોના મૃત્યુ બાદ અધિકારીઓએ આ ખાણમાંથી મજૂરોને બહાર કાઢવા ઑપરેશન હાથ ધર્યું હતું, જેમાં તેમના ભોજન અને પાણીની સપ્લાય કાપી નાખી હતી.
જમીનમાં અઢી કિલોમીટર નીચે ફસાયા
પોલીસનું કહેવું છે કે ખાણમજૂરો જમીનની નીચે આશરે ૨.૫ કિલોમીટરના અંતરે ફસાયા છે અને તેઓ બહાર આવી શકે છે પણ પકડાઈ જવાના ડરે તેઓ બહાર આવતાં ડરી રહ્યા છે. ખાણમજૂરોના એક સમૂહે દાવો કર્યો હતો કે ૧૦૦ મજૂરો ભૂખ-તરસથી મરી ગયા છે અને ૫૦૦ જણ હજી અંદર ફસાયેલા છે. એમાંથી કેટલાક બીમાર અને ભૂખ્યા છે. આ ખાણમજૂરો ગયા નવેમ્બર મહિનાથી અંદર છે.
શા માટે ખાણમજૂરો અંદર જાય છે?
માઇનિંગ કંપનીઓને જ્યારે માઇનિંગ કરવાનું પરવડે નહીં ત્યારે ખાણમાં સોનાનો ભંડાર હોવા છતાં માઇનિંગ બંધ કરી દેતા હોય છે. આવી ખાણોમાં મજૂરો જઈને ગેરકાયદે માઇનિંગ કરીને જાનના જોખમે સોનું બહાર કાઢતા હોય છે. કેટલાક ગેરકાયદે ગ્રુપો આવી પ્રવૃત્તિનું સંચાલન કરે છે. ખાણમજૂરો કમાણી માટે મહિનાઓ સુધી ખાણમાં જ રહે છે. તેઓ પોતાની સાથે ભોજન, પાણી, જનરેટર અને અન્ય સામગ્રી લઈ જતા હોય છે.
સાઉથ આફ્રિકામાં ૬૦૦૦ લાવારિસ ખાણો
સાઉથ આફ્રિકામાં આશરે ૬૦૦૦ સોનાની ખાણો એવી છે જે લાવારિસ છે. આવી ખાણોમાં માઇનિંગ કરીને જે સોનું કાઢવામાં આવે છે એનાથી સરકારને આશરે એક અબજ ડૉલરનું મહેસૂલી નુકસાન થાય છે.