અમેરિકામાં વિન્ટર સ્ટૉર્મને કારણે બરફનું ભયંકર તોફાન રાજધાની વૉશિંગ્ટન DCમાં સ્નો-ઇમર્જન્સી

07 January, 2025 12:39 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પૂર્વનાં રાજ્યોમાં આશરે ૨૦ કરોડ લોકો માટે આગામી ત્રણ દિવસ ખતરનાક રહેવાની ધારણા

વૉશિંગ્ટન DCમાં કૅપિટલ હિલ પરના સ્નો સ્ટૉર્મ વખતે ફોટો પાડતા-પડાવતા લોકો પણ દેખાઈ આવ્યા હતા.

અમેરિકામાં બરફના તોફાનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે અને હવે રાજધાની વૉશિંગ્ટન DCમાં સ્નો-ઇમર્જન્સીનો ખતરો મંડરાયો છે. સરકારી ઑફિસો સોમવારે બંધ રાખવામાં આવી હતી. વિન્ટર સ્ટૉર્મને કારણે ગયા ત્રણ દિવસમાં ૩૦૦૦થી વધારે ફ્લાઇટો કૅન્સલ થઈ છે અને બરફના તોફાનમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

અમેરિકાના પૂર્વ ભાગમાં રહેતા આશરે ૬.૩ કરોડ લોકો માટે વેધર ઍડ્વાઇઝરી જાહેર કરવામાં આવી છે જેમાં સેન્ટ્રલ ઇલિનોઈથી ન્યુ જર્સી સુધી વિન્ટર સ્ટૉર્મથી બચવા જણાવાયું છે. ટેક્સસ, કૅન્સસ, મિસુરી, ઇન્ડિયાના, કેન્ટકી, ઓહાયો, પેન્સિલ્વેનિયા, નૉર્થ કૅરોલિના, મૅરીલૅન્ડ, ડેલાવેર અને ન્યુ જર્સી જેવાં રાજ્યોમાં કોલ્ડ વેધર ઇમર્જન્સીની અલર્ટ અપાઈ છે. વર્જિનિયામાં પાંચથી ૧૨ ઇંચ સ્નોફૉલ થયો હતો.

પૂર્વનાં રાજ્યોના આશરે ૨૦ કરોડ લોકો માટે આગામી ત્રણ દિવસનો સમય ખતરનાક સાબિત થવાની ધારણા છે. ૧૦ વર્ષમાં ન પડ્યો હોય એવો બરફ પડવાની આગાહી છે.

વિન્ટર સ્ટૉર્મથી રસ્તા પર ચોમેર બરફ, અનેક ઇન્ટરસ્ટેટ બંધ
વિન્ટર સ્ટૉર્મને કારણે રસ્તા બરફથી ઢંકાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. કૅન્સસનો ઇન્ટરસ્ટેટ ૭૦ રોડ બંધ કરી દેવાયો છે. ઇન્ટરસ્ટેટ ૨૯ પર બરફને કારણે ​સ્લિપ થવાના અને અથડાઈ જવાના ૨૮૫ બનાવ નોંધાયા છે. ફ્લાઇટો ઉપરાઉપરી કૅન્સલ થઈ રહી છે. કૅન્સસથી ન્યુ જર્સી સુધી વસતા છ કરોડ લોકોને વિન્ટર વેધર વૉર્નિંગ અપાઈ છે અને ઘરોમાં જ રહેવા જણાવાયું છે. વૉશિંગ્ટનમાં ૧૨ ઇંચ સ્નોફૉલની આગાહી છે. સ્કૂલો અને કૉલેજો બંધ કરી દેવામાં આવી છે.

united states of america washington Weather Update international news news world news