અમેરિકામાં બરફના તોફાનને કારણે ૭૬૦૦ ફ્લાઇટ્સ ડિલે કે કૅન્સલ થઈ

24 February, 2023 10:46 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાના અનેક વિસ્તારોમાં બરફના તોફાનને કારણે લગભગ ૯ લાખ ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.

બુધવારે બરફના તોફાનમાં મિનીઆપોલિસમાં એક બંધ સ્કૂલ પાસેથી બરફ દૂર કરતો એક મેઇન્ટેનન્સ વર્કર.

વૉશિંગ્ટન : અમેરિકાના મધ્ય પ​શ્ચિમ અને ઉત્તર ભાગમાં બરફના તોફાનને કારણે વરસાદ, બરફ અને ભારે પવનને કારણે સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ દ​ક્ષિણનાં રાજ્યોમાં તાપમાનમાં ખૂબ જ વધારો થયો છે. અમેરિકામાં ૧૬૦૦થી વધારે ફ્લાઇટ્સને બરફના તોફાનના કારણે કૅન્સલ કરવામાં આવી હતી, જ્યારે લગભગ ૬૦૦૦ ફ્લાઇટ્સ ડિલે થઈ હતી. 

મિનેસોટામાં અનેક ફુટ બરફ પડતાં અનેક ફ્લાઇટ્સ કૅન્સલ થઈ હતી. બીજી તરફ આસપાસનાં રાજ્યોમાં બરફ પડવાના કારણે હાઇવે પર ચક્કા જૅમની સ્થિતિ છે. 

ઉત્તર વિસ્તારોમાં માઇનસ નવ ફૅરનહીટ જેટલું તાપમાન નોંધાયું હતું, જ્યારે મૅકએલેન, ટેક્સસમાં બુધવારે ૯૫ ફૅરનહીટ તાપમાન હતું. 

બુધવારે સાંજ સુધીમાં સાડાછ કરોડ અમેરિકનો વિપરીત હવામાનની અસર હેઠળ હતા. કૅલિફૉર્નિયાથી લઈને મૈને સુધી ૨૪ રાજ્યોમાં હવામાન માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરવામાં આવી હતી. 
સાઉથ ડૅકોટામાં ૧૭ ઇંચ બરફ તેમ જ ૭૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના કારણે લોકોને ખૂબ અસર થઈ હતી. 

મધ્યપશ્ચિમ અમેરિકામાં સૌથી વધુ અસર મિનીઆપોલિસમાં થઈ હતી, જ્યાં ૨૦ ઇંચ બરફ અને ૭૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. શિકાગો અને મિશિગન સુધી ઠંડી, વરસાદ અને બરફ પડવાની સ્થિતિ હતી.

international news united states of america Weather Update washington