26 April, 2023 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાનમાં હિન્દુ બાળકીઓ અને મહિલાઓને બંધક બનાવીને તેમની સાથે બળપૂર્વક મૅરેજ કરીને તેમનું ધર્મપરિવર્તન કરાવવાની ઘટનાઓ સતત વધી છે. ખાસ કરીને સિંધ પ્રાંતમાં હિન્દુ લઘુમતીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે.
હવે પાકિસ્તાનમાં માનવાધિકારો માટે લડત લડતાં સંગઠનો અને ઍક્ટિવિસ્ટ્સે સોશ્યલ મીડિયા પર રિતુ (પ્રાઇવસીના કારણોસર રિયલ નામ નથી લખાયું) નામનું હુલામણું નામ ધરાવતી છ વર્ષની એક હિન્દુ બાળકીના કેસ પ્રત્યે ધ્યાન આપવાની અપીલ કરી છે. સિંધ પ્રાંતના તેંડો અલ્લાહયાર જિલ્લાના શેખ ભિરકિયો ગામમાં આ બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી ત્યારે ૨૩ વર્ષના બે મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરીને તેનું શારીરિક શોષણ કર્યું હતું.
રિતુ તેના ઘરેથી લગભગ છ કિલોમીટરના અંતરે બેભાનવસ્થામાં મળી આવી હતી. તેની હાલત ખૂબ ખરાબ હતી. તેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, પરંતુ બાળકીના પેરન્ટ્સે ફરિયાદ કરી છે કે પોલીસ કોઈ સહકાર આપતી નથી.
તેંડો અલ્લાહયાર જિલ્લામાં અને ખાસ કરીને શેખ ભિરકિયો ગામમાં નોંધપાત્ર સંખ્યામાં કટ્ટરવાદી મુસ્લિમો છે. આ વિસ્તારમાં હિન્દુ લઘુમતીઓ પર તેઓ સતત અત્યાચારો કરતા રહે છે.