૧૦ લાખ ભારતીય કાગડાઓનો કેન્યા શા માટે ખાતમો બોલાવવાનું છે?

30 June, 2024 01:12 PM IST  |  Nairobi | Gujarati Mid-day Correspondent

૧૯૧૭ સુધીમાં આ કાગડાઓએ એવો ત્રાસ ફેલાવ્યો કે મરેલો કાગડો કે એનાં ઈંડાં લાવનાર વ્યક્તિને ઇનામ આપવામાં આવતું હતું.

ભારતીય કાગડાઓ

પૂર્વ આફ્રિકન દેશ કેન્યામાં થોડા મહિના બાદ ભારતીય કાગડાઓનો કર્કશ અવાજ સાંભળવા નહીં મળે. આ દેશ કાગડાઓથી ત્રસ્ત થઈ ગયો છે અને અહીંની સરકારે ૧૦ લાખ કાગડાને મારી નાખવાની યોજના બનાવી લીધી છે. આ કાગડાઓ માત્ર અન્ય જીવોને નહીં, લોકોને પણ હેરાન કરી રહ્યા છે. તેઓ સ્થાનિક વન્ય જીવોની દાવત માણે છે, ટૂરિસ્ટ પાસેથી ફૂડ ઝૂંટવી લે છે, પૉલ્ટ્રી ફાર્મમાં મરઘાંનાં બચ્ચાંઓ પર હુમલો કરે છે અને ઍરપોર્ટ પર બર્ડ-સ્ટ્રાઇકનું જોખમ પેદા કરે છે એને લીધે ટૂરિસ્ટ અને હોટેલ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થઈ રહ્યું છે.

કાગડો એ મૂળ તો ભારતીય પક્ષી છે જેને ૧૮૯૦ના દાયકામાં કચરાને નિયંત્રિત કરવા માટે પૂર્વ આફ્રિકાના ઝાંઝીબાર લવાયા હતા. ૧૯૧૭ સુધીમાં આ કાગડાઓએ એવો ત્રાસ ફેલાવ્યો કે મરેલો કાગડો કે એનાં ઈંડાં લાવનાર વ્યક્તિને ઇનામ આપવામાં આવતું હતું. હવે આશરે એક સદી પછી તેઓએ કેન્યામાં આતંક ફેલાવ્યો છે. ખાસ તો કેન્યાના દરિયાકાંઠાના શહેર મોમ્બાસામાં કચરાના ભરાવાને કારણે એ ભારતીય કાગડાઓનું પ્રિય સ્થળ બની ગયું છે. કહેવાય છે કે ૧૯૪૭માં આ કાગડા જહાજ મારફત અથવા પાડોશી ઝાંઝીબારમાંથી મોમ્બાસામાં પ્રવેશ્યા હતા. કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસનું કહેવું છે કે ઇન્ડિયન હાઉસ ક્રૉ ઘણા દાયકાઓથી લોકોને હેરાન કરી રહ્યા છે. આ ઉપરાંત સંભવિત રોગોને અટકાવવા માટે પણ તેમનો નાશ કરવો જરૂરી છે. કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસ, હૉસ્પિટલિટી ઉદ્યોગના પ્રતિનિધિઓ, પશુચિકિત્સકો વગેરેએ એક બેઠકમાં ઍક્શન-પ્લાન બનાવીને આ વર્ષના અંત સુધીમાં ૧૦ લાખ કાગડાઓનો ખાતમો કરવાની યોજના બનાવી છે.

wildlife kenya international news life masala