10 March, 2023 12:45 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
વૉશિંગ્ટન : અમેરિકન સેનેટની વિદેશો સાથેના સંબંધો માટેની કમિટીએ બુધવારે ભારતમાં અમેરિકન ઍમ્બૅસૅડર તરીકે એરિક ગાર્સેટીના નૉમિનેશનને આગળ વધારવાના પક્ષમાં મતદાન કર્યું હતું. કમિટીએ ૧૩-૮ના મતોથી નૉમિનેશનની તરફેણમાં વોટિંગ કર્યું હતું. લૉસ ઍન્જલસના ભૂતપૂર્વ મેયર ગાર્સેટીને આ પ્રતિષ્ઠિત ડિપ્લોમેટિક સ્થાન માટે જુલાઈ ૨૦૨૧માં પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા નૉમિનેટ કરવામાં આવ્યા હતા.
હવે સેનેટમાં આ નૉમિનેશન પર વોટિંગ થશે. કેટલાક સંસદસભ્યોને ગાર્સેટી સામે એ બાબતને લઈને વાંધો છે કે તેઓ જ્યારે મેયર હતા ત્યારે ભૂતપૂર્વ સિનિયર ઍડ્વાઇઝર દ્વારા મૂકવામાં આવેલા સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપોને યોગ્ય રીતે હૅન્ડલ નહોતા કર્યા. આમ છતાં, બે રિપબ્લિકન સેનેટર્સ ટોડ યંગ અને બિલ હગેર્ટીએ નૉમિનેશનને પાસ કરવા માટે ડેમોક્રેટિક સંસદસભ્યોને સાથ આપ્યો હતો. સેનેટર ચુક ગ્રાસલેએ ગાર્સેટીની વિરુદ્ધ મતદાન કરવા માટે હાકલ કરી હતી, પરંતુ સેનેટર ટોડ યંગે નૉમિનીની તરફેણમાં મતદાન કરવાના તેમના નિર્ણયના બચાવમાં રાષ્ટ્રીય સુરક્ષાના હેતુઓ અને ઇન્ડો-પૅસિફિક રીજનમાં ચીનને બૅલૅન્સ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.