29 October, 2022 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈરાનની રાજધાની તેહરાનમાં હિજાબવિરોધી આંદોલન દરમ્યાન ભેગા થયેલા લોકો.
નવી દિલ્હી : ઈરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન દરમ્યાન સુરક્ષાદળોએ ગોળીબાર કરતાં આઠ પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. ઇસ્લામી ડ્રેસ કોડનું કથિત રીતે ઉલ્લંઘન કરવા બદલ મોતને ઘાટ ઉતારવામાં આવેલી મહસા અમીનીના શહેરમાં આ દેખાવકારો એકઠા થયા હતા, દરમ્યાન સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો. માનવઅધિકાર એનજીઓ ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલે જણાવ્યાનુસાર સુરક્ષાકર્મીઓ દ્વારા દેખાવકારો પર કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછી આઠ વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
ઍમ્નેસ્ટીએ હથિયારોના બેદરકારીભર્યા તેમ જ ગેરકાયદે ઉપયોગની પણ નિંદા કરી હતી. મહસા અમીનીના મૃત્યુના ૪૦ દિવસ બાદ તેના હોમ ટાઉનમાં હજારોની સંખ્યામાં માર્ચ કરનારા પ્રદર્શનકારીઓ પર ઈરાનનાં સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો. તેહરાનમાં મહિલાઓ માટે ઇસ્લામિક ડ્રેસ કોડનું કથિતપણે ઉલ્લંઘન કરવા બદલ કુર્દિશ મૂળની ૨૨ વર્ષની ઈરાની મહિલા મહસા અમીનીનું તેની ધરપકડના ત્રણ દિવસ પછી ૧૬ સપ્ટેમ્બરે મૃત્યુ થયું હતું. તેના મૃત્યુએ મહિલાઓની આગેવાની હેઠળનાં વિરોધ પ્રદર્શનોને વેગ આપ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં મહિલાઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીએ મહસા અમીનીના મૃત્યુથી વ્યાપેલા આક્રોશમાંથી નીપજેલી રાષ્ટ્રીય અશાંતિની લહેરને ભડકાવવાનો અમેરિકા અને ઇઝરાયલ પર આરોપ મૂક્યો છે.