ટ્રમ્પનો અટૅકર જે છત પર ચડ્યો ત્યાં સીક્રેટ સર્વિસે કોઈ જવાનને તહેનાત કેમ નહોતો કર્યો? આ સવાલનો અજીબોગરીબ જવાબ

18 July, 2024 08:54 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

લોકોએ સિક્યૉરિટી સર્વિસના અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હતું છતાં તેઓ સમયસર હુમલો ખાળવામાં નિષ્ફળ રહ્યા હતા.

ડોનલ્ડ ટ્રમ્પ

ગયા શનિવારે અમેરિકામાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર જે છત પરથી ૨૦ વર્ષના થૉમસ મૅથ્યુ ક્રુક્સે ગોળીબાર કર્યો ત્યાં સિક્યૉરિટી એજન્ટને તહેનાત નહીં કરવાના મુદ્દે સીક્રેટ સર્વિસની ચીફ કિમ્બર્લી ચીટલે અજીબોગરીબ જવાબ આપ્યો છે. હવે તેની સામે જ શંકાનાં વાદળો ઘેરાયાં છે. આ મુદ્દે ઑનલાઇન ડિબેટ શરૂ થઈ ગઈ છે.

એક ટીવી-ચૅનલને આપેલી મુલાકાત વખતે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં કિમ્બર્લી ચીટલે કહ્યું હતું કે એ છતની ડિઝાઇન સ્લોપ ધરાવતી હતી અને એ સિક્યૉટિરી પોસ્ટ માટે જોખમી લાગતી હતી, આથી સિક્યૉરિટી સર્વિસે એની પોસ્ટ માટે એક સલામત બિલ્ડિંગ પસંદ કર્યું.

કિમ્બર્લી ચીટલે કબૂલ કર્યું હતું કે ‘સીક્રેટ સર્વિસને આ છત ધરાવતું બિલ્ડિંગ જોખમી પુરવાર થઈ શકે એની જાણકારી હતી. આમ છતાં ત્યાં કોઈ પણ સિક્યૉરિટી અધિકારીને તહેનાત નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. આમાં જવાબદારી મારી છે, આ અસ્વીકાર્ય છે અને આવું ફરી કદી થવું જોઈએ નહીં.’

આ ઢોળાવ ધરાવતી છત પર થૉમસ ક્રુક્સ સીડી મૂકીને સૌની સામે રાઇફલ લઈને ચડ્યો હતો. લોકોએ સિક્યૉરિટી સર્વિસના અધિકારીઓનું ધ્યાન પણ દોર્યું હતું છતાં તેઓ સમયસર હુમલો ખાળવામાં નિષ્ફળ રહ્યા હતા.

ભૂતપૂર્વ સીક્રેટ સર્વિસ એજન્ટનો દાવો, જેને તહેનાત કરાયો હતો એ પોલીસ આવ્યો નહીં

ભૂતપૂર્વ સીક્રેટ સર્વિસ એજન્ટ અને રેડિયો હોસ્ટ ડૅન બોન્ગિનોએ દાવો કર્યો હતો કે મને મારાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે જ્યાંથી ક્રુક્સે ગોળીબાર કર્યો એ સ્થળે જે પોલીસને તહેનાત કરાયો હતો તે ડ્યુટી પર આવ્યો જ નહોતો, મારાં સૂત્રો જણાવે છે કે આ પોલીસ શા માટે ત્યાં પહોંચ્યો નહીં એનો જવાબ કોઈ આપી રહ્યું નથી.

international news united states of america donald trump world news