10 August, 2024 11:42 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
શેખ હસીના અને પુત્ર સાજિબ વાઝેદ જૉય
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાના અમેરિકા રહેતા પુત્ર સાજિબ વાઝેદ જૉયે તેના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લેતાં કહ્યું કે હાલમાં બંગલાદેશમાં રચાયેલી વચગાળાની સરકાર ચૂંટણી યોજશે ત્યારે શેખ હસીના સ્વદેશ પાછાં ફરશે અને એમાં ભાગ લેશે. આ પહેલાં તેમણે એમ કહ્યું હતું કે મારી મમ્મી હવે બંગલાદેશ ફરી પાછી નહીં જાય અને રાજકારણનો ત્યાગ કરશે.
બંગલાદેશમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા ૮૪ વર્ષના ડૉ. મોહમ્મદ યુનુસના વડપણ હેઠળ વચગાળાની સરકાર રચવામાં આવી છે અને એમાં શેખ હસીનાની અવામી લીગના એક પણ નેતાને સામેલ કરવામાં આવ્યા નથી. ડૉ. યુનુસને દેશમાં ચૂંટણી યોજવાની જવાબદારી સોંપવામાં આવી છે.
ગઈ કાલે પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના સીતલકુચી પાસેની બંગલાદેશ સાથેની સરહદ પર બંગલાદેશના લોકો ભારતમાં પ્રવેશવા ભેગા થયા હતા.
આ મુદ્દે અમેરિકાથી બોલતાં સાજિબ વાઝેદ જૉયે કહ્યું કે ‘હાલમાં શેખ હસીના ટેમ્પરરી ભારતમાં છે, પણ જે દિવસે વચગાળાની સરકાર બંગલાદેશમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરશે ત્યારે તેઓ સ્વદેશ પાછાં ફરશે. ચૂંટણી યોજાશે ત્યારે હું પણ એમાં ઝુકાવવાથી પાછો નહીં ફરું. મને ખાતરી છે કે અવામી લીગ ચૂંટણીમાં ભાગ લેશે અને કદાચ અમે ચૂંટણીમાં જીત મેળવી શકીએ.’
ગઈ કાલે ઢાકામાં બંગલાદેશના હિન્દુ સમુદાયે તેમની સામેની હિંસાના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું.
ભારત અમારા દુશ્મનને મદદ કરે છે, પછી આપસી સહયોગ કેવી રીતે થશે? : BNPના નેતાનો સવાલ
બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)ના નેતા ગયેશ્વર રૉયે કહ્યું કે ‘BNP રાષ્ટ્રવાદી પાર્ટી છે અને એ દરેક સમાજના અધિકારોનું જતન કરવામાં માને છે. તમે અમારા દેશના દુશ્મનને મદદ કરી રહ્યાં છો એથી ભારત અને બંગલાદેશ વચ્ચે પરસ્પરના સહયોગને જાળવવો મુશ્કેલ બનશે. શેખ હસીનાની પાર્ટીના ભૂતપૂર્વ વિદેશપ્રધાને ચૂંટણી પહેલાં દાવો કર્યો હતો કે શેખ હસીનાને ફરી પાછાં સત્તામાં લાવવા માટે ભારત મદદ કરશે. ભારત અને બંગલાદેશના લોકોને એકબીજા સાથ કોઈ મતભેદ નથી, પણ ભારતે શા માટે એક જ પાર્ટીને પ્રોત્સાહન આપવું જોઈએ એવો મારો સવાલ છે. ૧૯૯૧માં હું જ્યારે કેન્દ્રીય પ્રધાન હતો ત્યારે મેં દુર્ગાપૂજામાં ડોનેશનની પ્રથા શરૂ કરાવી હતી અને એ આજેય ચાલુ છે.’