12 September, 2024 02:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. જયશંકર
ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે ગઈ કાલે જર્મનીના બર્લિન શહેરમાં જણાવ્યું હતું કે યુક્રેન-યુદ્ધનો ઉકેલ યુદ્ધના મેદાનમાં નહીં મળે, એ માટે વાટાઘાટો કરવી પડશે અને આ માટે જો જરૂર હોય તો ભારત એમાં સલાહ જરૂર આપશે.
એક દિવસ પહેલાં તેમણે રશિયાના વિદેશપ્રધાન સર્ગી લાવરોવ સાથે સાઉદી અરેબિયાની રાજધાનીમાં ચર્ચા કરી હતી.
બર્લિનમાં રાજદૂતોની વાર્ષિક કૉન્ફરન્સને સંબોધતાં જયશંકરે કહ્યું હતું કે ‘કોઈ પણ મુદ્દાનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી આવતો નથી એવું અમે માનીએ છીએ. એક સમય એવો આવશે જ્યારે વાટાઘાટો જરૂરી બનશે. આ લડાઈના બે મુખ્ય દેશો રશિયા અને યુક્રેને સાથે બેસવું પડશે અને વાટાઘાટો કરવી પડશે. યુદ્ધના મેદાનમાં ઉકેલ નહીં મળે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. વિવિધ દેશો વચ્ચે વિવાદ અને વિખવાદ હોઈ શકે, પણ યુદ્ધ એનો ઉપાય નથી.’
ગુરુવારે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા બાદ ભારત એ ત્રણ દેશો પૈકી એક છે જે સતત અમારા સંપર્કમાં રહે છે અને આ યુદ્ધનો ઉકેલ લાવવાના પ્રયાસ કરે છે.