રશિયા અને પાકિસ્તાન દસ વર્ષમાં પડી ભાંગશે

15 January, 2023 09:12 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકાની થિન્ક-ટૅન્ક દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે સાત ટકા નિષ્ણાતો અનુસાર અમેરિકા આગામી દસ વર્ષમાં નિષ્ફળ જાય એવી શક્યતા વધારે છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

વૉશિંગ્ટનઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને ટૂંક સમયમાં જ એક વર્ષ પૂરું થઈ જશે. રશિયા હજી સુધી આ યુદ્ધ જીતી શક્યું નથી, પરંતુ એ પીછેહઠ કરવા માટે તૈયાર નથી. દુનિયાભરના બુદ્ધિજીવીઓનું માનવું છે કે આ યુદ્ધનું પરિણામ ગમે એ આવે, પરંતુ રશિયાએ એની અસરોનો સામનો કરવો પડશે. અમેરિકા સ્થિત થિન્ક ટૅન્ક દ્વારા કરાવવામાં આવેલા એક સર્વે અનુસાર આ યુદ્ધને કારણે રશિયા તૂટવાના આરે છે. આ વર્ષે જ કરવામાં આવેલા આ સર્વેમાં દુનિયાભરના બુદ્ધિજીવીઓને સવાલ કરવામાં આવ્યો હતો કે આગામી દસ વર્ષમાં કયો દેશ પડી ભાંગે એવી શક્યતા છે.

આ સર્વેમાં ખાસ કરીને આગામી દસ વર્ષ એટલે કે ૨૦૩૩માં રશિયાના ભવિષ્યને લઈને સવાલ કરવામાં આવ્યો હતો, જેમાં બહાર આવ્યું હતું કે ૨૦૩૩ સુધીમાં રશિયાનું અસ્તિત્વ ખલાસ થઈ જશે. યુક્રેનમાં લડી રહેલું યુદ્ધ એના માટે ખૂબ જ ખર્ચાળ પુરવાર થશે. રશિયા લાંબા સમય સુધી આ યુદ્ધ લડી નહીં શકે અને નિષ્ફળ થઈ જશે. ચોંકાવનારી વાત એ છે કે આ સર્વેમાં રશિયાની નિષ્ફળતાની શક્યતાઓ અફઘાનિસ્તાન નિષ્ફળ થાય એના કરતાં બમણાથી વધારે બતાવવામાં આવી છે.

૨૦૩૩ સુધીમાં નિષ્ફળ થનારા કે પડી ભાંગનારા દેશોમાં સૌથી વધુ ૪૬ ટકા લોકોએ રશિયાનું નામ લીધું છે; જેમાં પણ આ સર્વેમાં ભાગ લેનારા સૌથી વધુ ૪૦ ટકા લોકોનું માનવું છે કે બળવો, ગૃહયુદ્ધ કે પછી કોઈ અન્ય કારણસર ૨૦૩૩ સુધીમાં રશિયા પડી ભાંગશે.

આ સર્વેમાં બીજા નંબરે અફઘાનિસ્તાન છે, જ્યારે પાકિસ્તાન ત્રીજા નંબરે છે. પાકિસ્તાન અત્યારે ભયાનક આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે અને વિદેશોની મદદના આધારે જ એ ટકી શક્યું છે. ૧૦ ટકા નિષ્ણાતો માને છે કે ૨૦૩૩ સુધીમાં અફઘાનિસ્તાન નિષ્ફળ જાય એવી શક્યતા વધારે છે, જ્યારે આઠ ટકા નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન નિષ્ફળ જાય એવી શક્યતા છે. જોકે આ સર્વેમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે અમેરિકા લિસ્ટમાં ચોથા સ્થાને છે. સાત ટકા નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકા આગામી દસ વર્ષમાં નિષ્ફળ જાય એવી શક્યતા વધારે છે.

ઍટલાન્ટિક કાઉન્સિલના સ્કોક્રોફ્ટ સેન્ટર ફોર સ્ટ્રૅટે​જી ઍન્ડ સિક્યૉરિટીના સર્વેમાં દુનિયાભરના ૧૬૭ વ્યૂહરચનાકારો અને નિષ્ણાતોના વિચારોને સામેલ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને એમાં પ્રાઇવેટ સેક્ટર, એજ્યુકેશન, એનજીઓ તેમ જ સ્વતંત્ર સલાહકારો સહિત જુદાં-જુદાં ક્ષેત્રોના નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા હતા.

international news russia ukraine united states of america