10 February, 2023 09:12 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પશ્ચિમ યુરોપને રશિયન ગૅસ સપ્લાય કરતી અન્ડરવૉટર નૉર્ડ સ્ટ્રીમ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થવાના કારણે બાલ્ટિક સમુદ્રમાં હજારો ટન નૅચરલ ગૅસ રિલીઝ થયો હતો.
વૉશિંગ્ટન : અમેરિકા આ વર્ષે રશિયાને પાછળ છોડીને યુરોપમાં ગૅસ અને ક્રૂડ ઑઇલનો નંબર-વન સપ્લાયર બની શકે છે. આ વાતમાં કશું અસામાન્ય ન જણાય, પરંતુ આવી સ્થિતિ સર્જાવા પાછળ અમેરિકાએ કાવતરું રચ્યું હોય એવી શંકા જાગી રહી છે, કેમ કે પશ્ચિમ યુરોપને રશિયન ગૅસ સપ્લાય કરતી અન્ડરવૉટર નૉર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન પર અમેરિકન નેવીની સ્પેશ્યલાઇઝ્ડ ડાઇવિંગ ટીમ્સે બૉમ્બ અટૅક કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનની દેખરેખ હેઠળ જ આ ટૉપ સીક્રેટ મિશન પાર પાડવામાં આવ્યું હતું. નોંધપાત્ર છે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું હતું ત્યારે એવી એક થિયરી વહેતી થઈ હતી કે અમેરિકાએ પોતાનાં હિતો ખાતર યુક્રેન વિરુદ્ધ યુદ્ધ કરવા માટે રશિયાને ઉશ્કેર્યું અને એ પછી યુક્રેનને તરછોડી દીધું.
ડાઇવર્સે જૂન ૨૦૨૨માં ત્રણ નૉર્ડ સ્ટ્રીમ પાઇપલાઇન્સમાં C4 વિસ્ફોટકો પ્લાન્ટ કર્યા હતા, જેના ત્રણ મહિના બાદ વિસ્ફોટકો બ્લાસ્ટ થયા હતા.
જર્મની અને અન્ય યુરોપિયન દેશો રશિયન ગૅસ પરની નિર્ભરતા ઘટાડે એ માટે આ અટૅક કરવામાં આવ્યો હતો, જેથી ગૅસના વેચાણથી રશિયાને થતી આવક ઘટે અને એ આર્થિક રીતે નબળું થાય. બીજી તરફ યુરોપિયન દેશો અમેરિકા પાસેથી વધુ ને વધુ ગૅસની ખરીદી કરે.
આ પણ વાંચો : અમેરિકાએ ભૂતકાળમાં ચાઇનીઝ સ્પાય બલૂન્સને યુએફઓ ગણી લીધાં હતાં
પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા પત્રકાર સેમોર હેર્શના આ રિપોર્ટમાં આવો સનસનાટીભર્યો દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં આ બ્લાસ્ટના કાવતરા વિશે સીધી જાણકારી ધરાવતા એક સોર્સને ટાંકવામાં આવ્યો છે. વાઇટ હાઉસ અને સીઆઇએ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)એ બુધવારે આ રિપોર્ટને નકારી કાઢ્યો હતો.
૨૦૨૨ની ૨૬ સપ્ટેમ્બરે બૉમ્બ બ્લાસ્ટ દ્વારા નૉર્ડ સ્ટ્રીમ ૧ અને ૨ પાઇપલાઇન્સને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. રશિયાએ એ સમયે જ અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું.
રશિયાનું રીઍક્શન
રશિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે નૉર્ડ સ્ટ્રીમ ગૅસ પાઇપલાઇન્સને કોણે નુકસાન પહોંચાડ્યું હતું એ હકીકતની દુનિયાને ખબર પડવી જોઈએ અને જે લોકોએ આ હરકત કરી હતી તેમને સજા થવી જોઈએ.