30 November, 2024 02:53 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના થયો હોય એવા દરદીઓને એકાએક હાર્ટ-અટૅક આવતો અને તેમનું મોત થતું હતું, પણ આમ શા માટે થઈ રહ્યું હતું એનું કારણ શોધી કાઢવામાં હવે સફળતા મળી છે. હવે એની સારવાર માટે દવા વિકસાવવામાં આવશે. દિલ્હીમાં ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS-એઇમ્સ)માં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફાર્માકોલૉજી સંમેલન અને ભારતીય ફાર્માકોલૉજી સોસાયટીની ૫૪મી બેઠકમાં નિષ્ણાતોએ આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતમાં જડીબુટ્ટીનો ખજાનો હોવાથી અનેક દવાઓના વિકાસની અપાર સંભાવના છે અને એની મદદથી ભવિષ્યમાં અનેક રોગની સારવાર શક્ય છે.
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ‘યુવાનોમાં હાર્ટ-અટૅક આવવાના કેસ વધવાની પાછળ મગજમાં નીકળતા કૈટેકોલામાઇન હૉર્મોનની સાથે ઑક્સિડેટિવ સ્ટ્રેસ કારણભૂત છે. શરીરમાં જ્યારે ઑક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે. એને નિયંત્રિત કરવા મગજ કૈટેકોલામાઇન હૉર્મોન રિલીઝ કરે છે. એ હૃદયની ગતિને નિયંત્રિત કરે છે, પણ જરૂર કરતાં વધારે હૉર્મોન બહાર આવતાં એ હૃદયના પમ્પિંગને બંધ કરી દે છે એટલે દરદીનું મોત થાય છે. કોવિડ-19 બાદ આવા કેસ વધ્યા હતા. ૮૦ ટકા કેસમાં કંઈ થયું નહીં, પણ ૨૦ ટકા કેસમાં દરદીઓ વધારે ગંભીર રીતે અસર પામ્યા અને પાંચ ટકા દરદીનાં મૃત્યુ થયાં હતાં.’
કૅનેડાથી આવેલા ભારતીય મૂળના ડૉક્ટર એન. એસ. ઢલ્લાએ કહ્યું હતું કે ‘કૅન્સરના ૮૦ ટકા દરદીઓનાં મૃત્યુ પાછળ હાર્ટની બીમારી કારણભૂત હોય છે. કીમોથેરપીની દવાની સાઇડ-ઇફેક્ટથી હાર્ટના રોગોમાં વધારો થાય છે.’
ઇન્જેક્શનનું કામ હવે ક્રીમ કરે છે
આ સંમેલનમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ‘હવે દવાઓ વધારે વિકાસ પામી રહી છે. પહેલાં બોટોક્સનાં ઇન્જેક્શન લેવાં પડતાં હતાં, પણ હવે ક્રીમ લગાવીને પણ ધાર્યાં પરિણામ મેળવી શકાય છે.’