16 July, 2023 09:48 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
અબુ ધાબીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા યુએઈના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (તસવીર : પી.ટી.આઇ.)
ભારત અને યુએઈ ગઈ કાલે તેમની કરન્સીમાં ટ્રેડ સેટલમેન્ટ શરૂ કરવા તેમ જ ઇન્ડિયન યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસની સાથે આ ગલ્ફ કન્ટ્રીની ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લૅટફૉર્મને લિન્ક કરવા માટે સંમત થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીમાં યુએઈના પ્રેસિડન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનની સાથે વ્યાપક વાતચીત કરી હતી. નોંધપાત્ર છે કે ભારત ઇન્ટરનૅશનલ ટ્રાન્ઝૅક્શન્સ સેટલ કરવા માટે રૂપિયાનો ઉપયોગ વધારવા ઇચ્છે છે, જેથી ભારતીય રૂપિયો મજબૂત થાય, જે દિશામાં આ વિશેષ સફળતા છે. આરબીઆઇએ જુલાઈ ૨૦૨૨માં જ રૂપિયામાં ગ્લોબલ ટ્રેડ સેટલ કરવા માટે એક વ્યવસ્થા સ્થાપવાની જાહેરાત કરી હતી.
યુએઈના પ્રેસિડન્ટ સાથેની મીટિંગ બાદ મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે સર્વગ્રાહી આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત અને યુએઈના વેપારમાં ૨૦ ટકાનો વધારો થયો છે.
તેમણે વધુ જણાવ્યું હતું કે બે દેશોની કરન્સીમાં ટ્રેડ સેટલમેન્ટ માટે ગઈ કાલે ઍગ્રીમેન્ટ પર સાઇન કરવામાં આવી છે, જે બન્ને દેશો વચ્ચે મજબૂત આર્થિક સહકાર અને પરસ્પર વિશ્વાસ સૂચવે છે. શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનને મળવું હંમેશાંથી આનંદજનક રહ્યું છે. વિકાસ માટે તેમની એનર્જી અને વિઝન પ્રશંસનીય છે.’
બે દેશોની કરન્સીમાં ટ્રેડ સેટલમેન્ટ માટે યુએઈ સાથેના ઍગ્રીમેન્ટથી બન્ને દેશો વચ્ચે વેપાર અને રોકાણમાં વધારો થશે.
ઍગ્રીમેન્ટ વિશે મોદીએ કહ્યું હતું કે ‘ભારત અને યુએઈ વચ્ચેના સહકારનું આ ખૂબ જ મહત્ત્વનું પાસું છે. એનાથી બન્ને દેશો વચ્ચેના વેપારમાં વધારો થશે અને ઇન્ટરનૅશનલ ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન્સ સરળ થશે.’
બે સમજૂતી કરાર કરવામાં આવ્યા, આરબીઆઇના ગવર્નર અને યુએઈના સેન્ટ્રલ બૅન્કના ગવર્નરે હસ્તાક્ષર કર્યા
ઑફિશ્યલ સ્ટેટમેન્ટ અનુસાર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અને યુએઈની સેન્ટ્રલ બૅન્કે બે સમજૂતી કરાર કર્યા છે, જેમાં બન્ને દેશો વચ્ચેનાં ટ્રાન્ઝૅક્શન્સ માટે લોકલ કરન્સી એટલે કે ભારતીય રૂપિયો અને યુએઈ દિરહામના ઉપયોગને પ્રમોટ કરવા માટે એક માળખું સ્થાપવા માટે એક સમજૂતી કરાર કરવામાં આવ્યો હતો, જ્યારે બીજો સમજૂતી કરાર બન્ને દેશોની પેમેન્ટ અને મેસેજિંગ સિસ્ટમ્સને ઇન્ટરલિન્ક કરવામાં સહકાર આપવા માટે કરવામાં આવ્યો હતો. આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસ અને યુએઈના સેન્ટ્રલ બૅન્કના ગવર્નર ખાલેદ મોહમ્મદ બલામા દ્વારા સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.