23 November, 2022 11:20 AM IST | Doha | Gujarati Mid-day Correspondent
યુરોપના ૯ દેશોના કૅપ્ટનોએ એલજીબીટીપ્લસ સમુદાયના સમર્થન માટે આર્મબૅન્ડ પહેરવાની યોજના બનાવી હતી. (ડાબે), દોહાના સ્ટેડિયમમાં પ્રવેશ આપતાં પહેલાં અમેરિકાના પત્રકાર ગ્રાન્ટ વાહલને સિક્યૉરિટી ગાર્ડે મેઘધનુષી રંગનું ટીશર્ટ એની સુરક્ષા માટે કાઢી નાખવાનું કહ્યું હતું. (જમણે)
દોહા : કતારમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ફુટબૉલ સિવાયના વિવાદ જોવા મળી રહ્યા છે. એક તરફ કતારે ભારતમાં ઉશ્કેરણીજનક પ્રવચન આપનાર ઇસ્લામિક ધર્મગુરુ ઝાકિર નાઈકને બોલાવ્યાનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં તો ત્યાંની રૂઢિચુસ્ત સરકારે લેસ્બિયન તથા ગે મૂવમેન્ટને સમર્થન આપતા ફુટબૉલપ્રેમીઓ પર કાર્યવાહી કરી છે. ફુટબૉલપ્રેમીઓ જેમણે આ અભિયાનને સમર્થન આપતી મેઘધનુષના રંગોવાળી ટોપી, ટીશર્ટ અને ફલૅગ લઈ જનારને પ્રવેશ આપ્યો નહોતો. કતારમાં ગે તેમ જ લેસ્બિયન સંબંધો ધરાવનારને જેલની સજાની જોગવાઈ છે. અગાઉ ફિફાએ કહ્યું હતું કે આ પ્રકારનાં ટીશર્ટ સ્ટેડિયમમાં પહેરવાની મનાઈ નથી, પરંતુ ત્યાં કોઈ ધાંધલધમાલ ન થાય એની સાવચેતીને કારણે આમ કરવામાં આવે છે.
અગાઉ ઇંગ્લૅન્ડ અને વેલ્સના ફુટબૉલ ટીમના ખેલાડીઓ પોતાના હાથ પર ‘વન લવ’ નામનું બૅન્ડ પહેરવાના હતા, પરંતુ ફિફાએ આવાં બૅન્ડ પહેરનારને યલો કાર્ડ બતાવવામાં આવશે એવો નિયમ બતાવતાં ટીમે બૅન્ડ પહેરવાનું મોકૂફ રાખ્યું હતું. જોકે તેમના આ પગલાની ઘણી ટીકા કરવામાં આવી છે. યુરોપની ૯ ટીમે આવાં ‘વન લવ બૅન્ડ’ પહેરવાની તૈયારી અગાઉ દેખાડી હતી. બીબીસીના બ્રૉડકાસ્ટ અને ઇંગ્લૅન્ડના ફુટબોલર ઍલેક્સ સ્કૉટે લાઇવ બ્રૉડકાસ્ટ દરમ્યાન આર્મબૅન્ડ પહેર્યું હતું. કતારમાં માનવાધિકારનો આંકડો બહુ ખરાબ રહ્યો છે. વળી સ્ટેડિયમના નિર્માણ દરમ્યાન ખરાબ વ્યવસ્થાને કારણે ભારત, પાકિસ્તાન, નેપાલ, બંગલાદેશ અને શ્રીલંકાના ૬૫૦૦ જેટલા મજૂરો મૃત્યુ પામ્યા હતા.