08 March, 2023 11:39 AM IST | London | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
લંડનઃ ચીનની પ્રશંસા કર્યા બાદ કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લદાખ અને અરુણાચલ પ્રદેશની સીમાઓ પર ચાઇનીઝ આર્મ્ડ ફોર્સિસની હાજરીની સરખામણી યુક્રેનની અત્યારની સ્થિતિની સાથે કરી હતી.
લંડનમાં ચૅટહામ હાઉસમાં એક સંવાદમાં તેમણે કહ્યું હતું કે ‘મારી દૃષ્ટિએ લદાખ અને અરુણાચલ પ્રદેશમાં ચાઇનીઝ આર્મ્ડ ફોર્સિસની હાજરી પાછળ મૂળ વિચાર એ યુક્રેનમાં અત્યારે જે થઈ રહ્યું છે એના જેવું જ છે. મેં આ વાત વિદેશપ્રધાન એસ. જયશંકરને જણાવી હતી, પરંતુ તેઓ મારાથી સંપૂર્ણપણે સંમત નહોતા અને તેઓ વિચારતા હતા કે આ હાસ્યાસ્પદ વિચાર છે.’
ભારતીય સીમાઓની યુક્રેનની સાથે સરખામણી કરતાં કૉન્ગ્રેસના આ નેતાએ જણાવ્યું હતું કે ‘યુક્રેનમાં મૂળ સિદ્ધાંત એ લાગુ કરવામાં આવ્યો છે કે રશિયાએ યુક્રેનને જણાવ્યું છે કે અમેરિકા અને યુરોપ સાથેના તમારા સંબંધો અમને સ્વીકાર્ય નથી અને જો તમે આ સંબંધ બદલવા ન માગતા હોય તો અમે તમારી પ્રાદેશિક અખંડિતતાને પડકારીશું. હું માનું છું કે મારા દેશની સીમાઓ પર એમ જ બની રહ્યું છે. અમેરિકા સાથે અમારા સંબંધો રહે એમ ચીન ઇચ્છતું નથી. એમ કહીને અમને ધમકાવવામાં આવી રહ્યા છે કે જો તમે સતત એ સંબંધ રાખશો તો અમે પગલાં લઈશું. આ જ કારણે લદાખ અને અરુણાચલ પ્રદેશમાં તેમણે આર્મ્ડ ફોર્સિસને ઉતાર્યા છે.’
ભારતની બાબતોમાં વિદેશી હસ્તક્ષેપની માગણી કરનાર રાહુલની બીજેપીએ કરી ટીકા
બીજેપીએ રાહુલ પર વિદેશોના હસ્તક્ષેપની માગણી કરીને વિદેશની ધરતી પર દેશને કલંકિત કરવાની કોશિશનો આરોપ મૂક્યો હતો. બીજેપીના પ્રવક્તા રવિ શંકર પ્રસાદે કહ્યું હતું કે ‘બીજેપી ખૂબ જ પીડાની સાથે ભારપૂર્વક કહેવા ઇચ્છે છે કે રાહુલ ગાંધીએ પોતાનાં ભાષણોમાં ભારતની લોકશાહી, રાજ્યવ્યવસ્થાતંત્ર, સંસદ, પૉલિટિકલ સિસ્ટમ અને ન્યાયતંત્રને કલંકિત કરવાની કોશિશ કરી છે.’
લંડનમાં એક ઇવેન્ટમાં રાહુલે સવાલ કર્યો હતો કે ‘ભારતમાં લોકશાહીના મોટા ભાગના માળખાને કેવી રીતે નષ્ટ કરવામાં આવ્યું છે એને લોકશાહીના રક્ષકો અમેરિકા અને યુરોપ શા માટે નોટિસ કરતા નથી.’
પ્રસાદે કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી ઇચ્છે છે કે યુરોપ અને અમેરિકાએ લોકશાહીને બચાવવા માટે હસ્તક્ષેપ કરવો જોઈએ? પછી ભલેને કોઈની પણ સરકાર હોય, અમે અમારી આંતરિક બાબતોમાં કોઈ પણ જાતના હસ્તક્ષેપના ખૂબ જ વિરોધી છીએ. કોઈ પણ દેશે ભારતની આંતરિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ.’