રાણીના મૃત્યુ બાદ પ્રિન્સ વિલિયમ અને હૅરી વચ્ચે મિલાપ થઈ શકે

12 September, 2022 08:11 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

બન્ને ભાઈઓ પત્ની સાથે જાહેરમાં એકસાથે જોવા મળતાં શરૂ થયા અનેક તર્ક-વિતર્ક

પ્રિન્સ વિલિયમ, પત્ની કેટ, પ્રિન્સ હૅરી અને પત્ની ​મેઘન

રાણી એલિઝાબેથ દ્વિતીયનું નિધન પ્રિન્સ હૅરી અને પત્ની મેઘનનું બાકીના રાજ પરિવાર વચ્ચે મનમેળ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. ગુરુવારે રાણીનું મૃત્યુ થયું ત્યારે બ્રિટનની મુલાકાતે આવેલું આ દંપતી શનિવારે વિન્ડસર કૅસલમાં હૅરીના ભાઈ વિલિયમ અને પત્ની કેટને મળ્યું હતું. ૨૦૨૦ બાદ પહેલી વખત તેઓ સાથે જોવા મળ્યાં હતાં. તમામે કાળાં કપડાં પહેર્યાં હતાં  તેમ જ લોકોએ રાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે મૂકવામાં આવેલાં ફૂલોને જોયાં હતાં. એક સમયે આ ચારેય ફેબ ફોર તરીકે ઓળખાતાં હતાં. કૅમેરા સામે ચારેય એકસાથે બહાર નીકળ્યાં એ પણ તૂટેલા સંબંધો સુધારવામાં પ્રગતિની નિશાની ગણવામાં આવી છે.

​યુકેના સિંહાસનના વારસદાર વિલિયમે તેના નાના ભાઈ હૅરી સમક્ષ એક સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો છે જે શાહી ફરજોને છોડ્યા બાદ પરિવારની વધુ ને વધુ ટીકા કરતો રહ્યો છે. ૧૯૯૭માં પૅરિસમાં થયેલા કાર-ઍક્સિડન્ટમાં તેમની માતા ડાયનાનું મૃત્યુ થયું હતું ત્યારે તેઓ તેમની અંતિમયાત્રામાં સાથે જોવા મળ્યા હતા. એ વખતે વિલિયમ ૧૫ વર્ષનો, જ્યારે હૅરી માત્ર ૧૨ વર્ષનો હતો. બ્રિટનના આર્મી કૅપ્ટન હૅરીએ ૨૦૧૮માં વિન્ડસરમાં અમેરિકાની ટીવી-અભિનેત્રી મેઘન સાથે લગ્ન કર્યા બાદ બન્ને ભાઈઓના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી. ૨૦૧૯માં હૅરી અને મેઘને અમેરિકામાં સ્થાયી થવાની ઘોષણા કરી હતી. ગયા વર્ષે તેઓ ડાયનાની પ્રતિમાનું અનાવરણ કરવા માટે ભેગા થયા હતા ત્યારે પણ બન્ને ભાઈઓ વચ્ચેના સંબંધો ઉષ્માભર્યા નહોતા. જોકે રાણીના મૃત્યુ બાદ બન્ને ભાઈઓ વચ્ચેના સંબંધોમાં કામચલાઉ સુધારાના સંકેત જોવા મળ્યા છે. 

international news england prince william prince harry queen elizabeth ii