08 November, 2024 07:58 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકાના પ્રેસિડન્ટપદે ડોનલ્ડ ટ્રમ્પ ફરી ચૂંટાઈ આવતાં ફિલાડેલ્ફિયા અને શિકાગોમાં ઘણા લોકોએ વિરોધ કર્યો હતો અને લોકોએ ટ્રમ્પવિરોધી સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. તેમણે મહિલાઓના પ્રજનનસંબંધી અધિકાર, ટ્રાન્સજેન્ડરોના રાઇટ્સ અને ગનસંબંધી કાયદા વિશે સવાલ ઉઠાવ્યા હતા.
ચિંતા ઉપજાવનારું રિઝલ્ટ
ફિલાડેલ્ફિયાના સેન્ટ્રલ સ્ક્વેરમાં ઊભા રહીને એક પ્રદર્શક ઇસાબેલે કહ્યું હતું કે ‘ફિલાડેલ્ફિયામાં ફાસીવાદને આવકાર નથી. ચૂંટણીનું પરિણામ ખૂબ જ ચિંતા ઉપજાવનારું છે, પણ મને આશ્ચર્ય થયું નથી. હું લોકોને જણાવીશ કે જાતિવાદ સ્વીકાર્ય નથી. આ દેશમાં જાતિવાદ, હોમોફોબિયા અને ફાસીવાદ સ્વીકાર્ય નથી. હું અસ્વસ્થ અને ઉદાસ છું, ભયભીત છું અને મને લાગે છે કે મારા જેવા ઘણા લોકો હશે.’
અમેરિકનોથી નારાજ છું
કામ પર જઈ રહેલી બીજી એક મહિલા કૅથી ઓકેનલે કહ્યું હતું કે ‘હું અમેરિકનોથી ખૂબ જ નારાજ છું. ગઈ કાલે રાતે હું સૂવા ગઈ ત્યારે થોડી આશા બચી હતી. ફિલાડેલ્ફિયાએ કમલા હૅરિસને મત આપ્યા છે જે બરાબર છે, પણ આ પરિણામ આશ્ચર્યજનક છે. ૭૮.૨૯ ટકા ફિલાડેલ્ફિયનોએ કમલા હૅરિસને મત આપ્યા છે, પણ આ દેશનો મૂડ જણાતો નથી. જે વ્યક્તિ માત્ર પોતાની પાસે સત્તા રહે એવી વાત કરતી હોય તેને શા માટે અમેરિકનોએ મત આપ્યા છે એ સમજાતું નથી. તે કોઈને સત્તા શૅર કરવા માગતી નથી.’
રમખાણ ન થયાં એ સારી વાત
ફિલાડેલ્ફિયામાં રમખાણો થયાં નથી એ સારી વાત છે એમ કહીને ડેનવર રૉબિન્સે કહ્યું હતું કે ‘આ વખતે રિઝલ્ટથી મને આશ્ચર્ય થયું છે. મહત્તમ અમેરિકનોએ આવી વ્યક્તિને મત આપ્યો એ હું માની શકતો નથી. ફિલાડેલ્ફિયામાં રમખાણો થયાં નથી, હિંસા થઈ નથી એ સારી વાત છે. મંગળવારે અને બુધવારે શાંતિ રહી હતી.’
શિકાગોમાં ટ્રમ્પવિરોધી પ્રદર્શન
શિકાગો શહેરમાં યુનાઇટેડ સ્ટેટ્સ પૅલેસ્ટીન કમ્યુનિટી નેટવર્ક દ્વારા ટ્રમ્પવિરોધી પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં. જોકે આ વિરોધ-પ્રદર્શન માટે લોકોએ કમલા હૅરિસની એક પોસ્ટને જવાબદાર ઠરાવી હતી જેમાં તેમણે એમ કહ્યું હતું કે લડાઈ હજી ખતમ થઈ નથી. આવા નિવેદનને કારણે લોકોની લાગણી ભડકી હશે એમ જણાય છે.