કૅનેડાના હિન્દુ મંદિરમાં ખાલિસ્તાનીઓની બેફામ ગુંડાગીરી

05 November, 2024 10:05 AM IST  |  Toronto | Gujarati Mid-day Correspondent

કૉન્સલર સર્ટિફિકેટ લેવા આવેલા લોકોને દોડાવી-દોડાવીને માર્યા : જસ્ટિન ટ્રુડોએ હુમલાની નિંદા તો કરી, પણ તેમના નિવેદનમાં ખાલિસ્તાનપ્રેમ છલકાયેલો દેખાયો : હિન્દુ મંદિરના ગેટ ખોલીને ખાલિસ્તાન સમર્થકો ઝંડા લઈને અંદર ઘૂસી ગયા

રવિવારે કૅનેડાના બ્રૅમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિર ખાતે ખાલિસ્તાનીઓએ કરેલી હિંસાના વિડિયો-ગ્રૅબ

કૅનેડાના મુખ્ય શહેર ટૉરોન્ટોના ગ્રેટર ટૉરોન્ટો એરિયા (GTA)માં આવેલા ઉપનગર બ્રૅમ્પ્ટનના હિન્દુ સભા મંદિર પર રવિવારે ખાલિસ્તાની સંગઠનોના કાર્યકરોએ હુમલો કર્યો હતો. ખાલિસ્તાની સમર્થકો હાથમાં ખાલિસ્તાની ઝંડા લઈ મંદિરના ગેટ ખોલીને મંદિરના પરિસરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે ત્યાં સરકારી કામ માટે એકઠા થયેલા હિન્દુ અને સિખ લોકો પર હુમલો કર્યો હતો અને તેમને દોડાવી-દોડાવીને માર્યા હતા. આ હુમલાની આકરી ટીકા કરવામાં આવી રહી છે, પણ આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને કૅનેડા પોલીસે આ હુમલા માટે કોઈને જવાબદાર પણ ઠરાવ્યા નથી.

હિન્દુ સભા મંદિરમાં શું થયું?

કૅનેડામાં ભારતીય હાઈ કમિશન દ્વારા વૅનકુવર શહેર, સરે શહેરના લક્ષ્મીનારાયણ મંદિર અને ટૉરોન્ટોના બ્રૅમ્પ્ટનમાં આવેલા હિન્દુ સભા મંદિરમાં લોકલ લાઇફ સર્ટિફિકેટ લાભાર્થીઓ (ભારતીય અને કૅનેડિયન બેઉ) માટે રવિવારે કૅમ્પ રાખવામાં આવ્યો હતો. કૅનેડામાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશને ઍડ્વાન્સમાં સુરક્ષાવ્યવસ્થા મજબૂત કરવા આહવાન કર્યું હતું. આમ છતાં કૉન્સલરના આ રૂટીન કામકાજમાં પણ ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો અને હિંસા આચરી હતી. જોકે આ હુમલા છતાં ૧૦૦૦ લોકોને સર્ટિફેકેટ આપવામાં આવ્યાં હતાં. વૅનકુવર અને સરેમાં આયોજિત કૅમ્પમાં પણ શનિવારે અને રવિવારે ભાંગફોડ કરવાની કોશિશ કરવામાં આવી હતી.

હાઈ કમિશને શું કહ્યું?

ઓટાવાસ્થિત ભારતીય હાઈ કમિશનની ઑફિસે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ત્રણ નવેમ્બરે બ્રૅમ્પ્ટનના હિન્દુ સભા મંદિરના સહયોગમાં અમે સાથે મળીને કૅમ્પ લગાવ્યો હતો. આ સમયે ભારતવિરોધી લોકોએ ત્યાં પહોંચીને હિંસા કરી હતી. સ્થાનિક આયોજકોના સહયોગમાં ચાલી રહેલા હાઈ કમિશનના રૂટીન કામકાજમાં આ પ્રકારનો વિક્ષેપ પાડવો નિરાશાજનક છે.’

ટ્રુડોનો ખાલિસ્તાનપ્રેમ દેખાયો

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો ખાલિસ્તાનપ્રેમ વારંવાર દેખાઈ આવે છે. આ હુમલા બાદ પણ તેમણે ખાલિસ્તાન સમર્થકોની કોઈ ટીકા કરી નથી. માત્ર આપવા ખાતર કરવામાં આવેલી એક પોસ્ટમાં તેમણે એટલું જ કહ્યું હતું કે ‘બ્રૅમ્પ્ટનના મંદિરમાં આવી હિંસા અસ્વીકાર્ય છે. કૅનેડામાં રહેતા લોકોને પોતાના ધર્મને સ્વતંત્ર રૂપમાં અને સુરક્ષિત રીતે પાલન કરવાનો અધિકાર છે.’

ખાલિસ્તાનીઓની હિંસાનો હિન્દુઓ દ્વારા વિરોધ

રાજકીય નેતાઓને મંદિરમાં પ્રવેશ નહીં

કૅનેડિયન નૅશનલ કાઉન્સિલ ઑફ હિન્દુ અને હિન્દુ ફેડરેશને નિર્ણય લીધો છે કે હવે મંદિરોમાં રાજકીય ગતિવિધિઓને પરવાનગી આપવામાં નહીં આવે, રાજનેતાઓને હવે રાજકીય ઉદ્દેશ માટે મંદિરમાં આવવાની મંજૂરી આપવામાં નહીં આવે, તેઓ એક શ્રદ્ધાળુ તરીકે આવીને મંદિરમાં દર્શન કરી શકે છે. આ નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ‘બ્રૅમ્પ્ટનના મંદિરમાં હુમલો હિન્દુઓની સુરક્ષાને લઈને સવાલ ઊભા કરે છે. ખાલિસ્તાનસમર્થકોની હિંસા અને હિન્દુઓ પર હુમલાની ઘટનાઓ કૅનેડામાં લગાતાર વધી રહી છે. આવામાં આ ઘટનાની તપાસ અને એમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે.’

ભારતીય મૂળના કૅનેડિયન સંસદસભ્ય ચંદ્ર આર્યએ કહ્યું, ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ રેડ લાઇન પાર કરી દીધી

ભારતીય મૂળના કૅનેડિયન સંસદસભ્ય ચંદ્ર આર્યએ હિન્દુ સભા મંદિરના મુખ્ય ગેટ પર ખાલિસ્તાની ઝંડા લહેરાવતા પ્રદર્શનકારીઓનો વિડિયો શૅર કરતાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘કૅનેડામાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ લક્ષ્મણરેખા (રેડ લાઇન) પાર કરી દીધી છે. મંદિરમાં થયેલો હુમલો દર્શાવે છે કે કૅનેડામાં ખાલિસ્તાની કટ્ટરવાદ કેટલો ઊંડો અને બેશરમ થઈ ગયો છે. આ દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે ખાલિસ્તાની કટ્ટરવાદીઓને ખુલ્લી છૂટ મળી છે. મને એવું લાગે છે કે એ રિપોર્ટમાં સચ્ચાઈ છે કે કૅનેડાના રાજકીય તંત્ર સિવાય ખાલિસ્તાનીઓએ કૅનેડાની લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓમાં પણ પ્રભાવી રૂપથી પોતાની વગ વધારી દીધી છે.’

સિખ સંગઠને પણ કરી નિંદા

ઓન્ટારિયો સિખ અને ગુરુદ્વારા કાઉન્સિલ (OSGC)એ પણ આ હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે ‘મંદિરની બહાર બનેલી ઘટના દુખદ છે. અમે સ્થાનિક અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા આહવાન કરીએ છીએ. અમે સ્પષ્ટ કરીએ છીએ કે અમારા સમાજમાં હિંસાને કોઈ સ્થાન નથી. અમે સમાજના નેતાઓ અને સભ્યોને એકસાથે આવવા, એકબીજાનું સમર્થન કરવા અને એકતા અને કરુણાનો માહોલ બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ.’

આજે વિરોધ

ધ કો-એલિશન ઑફ હિન્દુઝ ઑફ નૉર્થ અમેરિકા (CoHNA)એ ખાલિસ્તાની કટ્ટરવાદના અને હિન્દુઓ પ્રતિ ઘૃણાના વિરોધમાં હિન્દુ સભા મંદિરની બહાર સોમવારે સાંજે (ભારતીય સમય મુજબ મંગળવારે સવારે) વિરોધ-પ્રદર્શન યોજવાની અપીલ કરી છે.

hinduism canada toronto khalistan international news