09 March, 2023 11:09 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ચાઇનીઝ પ્રેસિડન્ટ શી જિનપિંગ
વૉશિંગ્ટનઃ અમેરિકન સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઇએ)ના ડિરેક્ટર વિલિયમ બર્ન્સે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ચીન હજી નક્કી કરી રહ્યું છે કે જો એ તાઇવાન પર આક્રમણ કરીને એને પચાવી પાડવાનું મિશન પાર પાડે તો એમાં એ સફળ થશે કે નહીં.
બર્ન્સે જણાવ્યું છે કે અમેરિકન ઇન્ટેલિજન્સ ઇન્પુટ્સ અનુસાર ચાઇનીઝ પ્રેસિડન્ટ શી જિનપિંગે તેમના દેશની મિલિટરીને તાઇવાન પર હુમલો કરવા માટે ૨૦૨૭ સુધીમાં તૈયાર રહેવા જણાવ્યું છે.
જોકે યુક્રેન પર યુદ્ધ કરનારા રશિયાનો અનુભવ જોતાં જિનપિંગના મનમાં કદાચ તાઇવાન યુદ્ધમાં તેઓ સફળ થશે કે નહીં એના વિશે શંકા રહેલી છે.
આ પણ વાંચો: ચીને એનું ડિફેન્સ બજેટ વધારીને ૧૮૩૮૫.૩૭ અબજ કર્યું
બર્ન્સે જણાવ્યું છે કે ‘આપણે જાણીએ છીએ કે પ્રેસિડન્ટ જિનપિંગે પીએલએ, ચાઇનીઝ મિલિટરી લીડરશિપને તાઇવાન પર આક્રમણ કરવા માટે ૨૦૨૭ સુધીમાં તૈયાર રહેવાની સૂચના આપી છે, પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ ૨૦૨૭માં કે પછી બીજા કોઈ વર્ષે યુદ્ધ કરવાનો તેમણે નિર્ણય લઈ લીધો છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘હું માનું છું કે અમારું જજમેન્ટ એ છે કે પ્રેસિડન્ટ જિનપિંગ અને તેમના મિલિટરી લીડર્સને હાલના સમયે શંકા છે કે તેઓ તેમના આક્રમણમાં સફળ થઈ શકશે કે નહીં. જોકે તાઇવાન પર આખરે કન્ટ્રોલ કરવાની જિનપિંગની ઇચ્છાને અમેરિકાએ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ, પછી ભલેને મિલિટરી સંઘર્ષ નજીકના ભવિષ્યમાં ન હોય.’