20 January, 2025 02:54 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
અમેરિકાના વર્જિનિયા સ્ટેટમાં નૅશનલ ગોલ્ફ ક્લબમાં રાખવામાં આવેલા ડિનર વખતે કરવામાં આવેલી આતશબાજી નિહાળી રહેલા ડોનલ્ડ ટ્રમ્પ અને તેમનાં પત્ની મિલેનિયા ટ્રમ્પ.
અમેરિકાના ૪૭મા પ્રેસિડન્ટ તરીકે શપથ લીધા બાદ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ આજે બપોરે ઓવલ ડેસ્ક ઑફિસમાં આવશે ત્યારે તેઓ ૧૦૦ જેટલા એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કરવાના છે. આ ઑર્ડર તેમની ટીમે તૈયાર રાખ્યા છે. આ એવા ઑર્ડર છે જેને મંજૂર કરવા માટે કૉન્ગ્રેસ (એટલે કે સંસદ)ની મંજૂરીની જરૂર નથી. આ ઑર્ડરને કોર્ટમાં પડકારી શકાય છે. આ આદેશો ટ્રમ્પના કાર્યકારી આદેશ છે જેના કારણે દુનિયાભરમાં હાહાકાર મચી જવાની શક્યતા છે. અમેરિકામાં રહેતા ગેરકાયદે લોકોને ખદેડી મૂકવાનું વચન ટ્રમ્પે ચૂંટણીપ્રચાર વખતે આપ્યું હતું એટલે આવા લોકોએ તેમનાં બિસ્તરા-પોટલાં પૅક કરવાં પડે એવી શક્યતા છે. ડોનલ્ડ ટ્રમ્પ ચીન, મેક્સિકો અને કૅનેડા પર ટૅરિફ વધારી દેવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર પણ હસ્તાક્ષર કરે એવી શક્યતા છે.
પ્રેસિડન્ટ તરીકે ડોનલ્ડ ટ્રમ્પે જે કામ કરવાનાં છે અને જે વચન ટ્રમ્પે ચૂંટણીપ્રચાર વખતે આપ્યાં છે એની સૂચિ તૈયાર છે. શપથ લીધા બાદ પ્રેસિડન્ટ ટ્રમ્પ વાઇટ હાઉસમાં આવીને તેમના ડેસ્ક પર મૂકવામાં આવેલા ૧૦૦ જેટલા આદેશો પર સહી કરીને તેમના બીજા મહત્ત્વના કાર્યકાળની શરૂઆત કરશે. તેમની ટીમે સમયની બરબાદી ન થાય એ રીતે આ કામ તૈયાર રાખ્યું છે.
એક મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે પહેલા જ દિવસે તેઓ રેકૉર્ડ આદેશો પર સહી કરવાના છે. શું આ આદેશ ૧૦૦ જેટલા હશે એવા સવાલનો જવાબ ટ્રમ્પે હકારમાં આપ્યો હતો.
આ આદેશમાં કાયદા જેટલી જ તાકાત હોય છે અને એના માટે સંસદની મંજૂરીની આવશ્યકતા નથી, કારણ કે સંસદ પણ એને પલટાવી શકતી નથી. જોકે એને કોર્ટમાં પડકારી શકાય છે.
નજીકના લોકોને માફી આપશે
ટ્રમ્પના સહયોગી સ્ટીફન મિલરે જણાવ્યું હતું કે ટ્રમ્પના સમર્થકોને માફી આપવાના ઑર્ડર પર પણ તેઓ સહી કરશે. ચાર વર્ષ પહેલાં ૬ જાન્યુઆરીએ ટ્રમ્પના સમર્થકોને યુનાઇટેડ સ્ટેટ્સ કૅપિટલ પર હુમલામાં તેમની ભૂમિકા માટે પકડવામાં આવ્યા હતા. આ તમામને માફી આપવામાં આવશે.
મુખ્ય પાંચ આદેશ આ મુદ્દે હશે
દક્ષિણ તરફની સરહદ સીલ કરવી.
ગેરકાયદે રહેતા લોકોનો દેશનિકાલ.
મહિલાઓની રમતગમતમાં ટ્રાન્સજેન્ડરોને રોકવા.
એનર્જી એક્સપ્લોરેશન પરના પ્રતિબંધો હટાવવા.
સરકારી દક્ષતામાં સુધારા કરવા.
બાઇડને પ્રેસિડન્ટ બન્યા બાદ શું કર્યું હતું?
જો બાઇડને પ્રેસિડન્ટ બન્યા બાદ પહેલા દિવસે ૯ એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી ૬ ઑર્ડર અગાઉના પ્રેસિડન્ટ ટ્રમ્પના નિર્ણયોને બદલવા વિશેના હતા. પહેલા અઠવાડિયામાં તેમણે બાવીસ ઑર્ડર પર સહી કરી હતી.
અગાઉની સરકારના નિર્ણયો બદલશે
૭૮ વર્ષના ડોનલ્ડ ટ્રમ્પ અગાઉની જો બાઇડન સરકારના કેટલાક નિર્ણયોને પણ પલટાવે એવી શક્યતા છે. એમાં મુખ્ય પૅરિસ ક્લાઇમેટ-ચેન્જ ઍગ્રિમેન્ટ, જિવાશ્મ ઈંધણના ઉત્પાદન પરનો પ્રતિબંધ હટાવવો અને ડોમેસ્ટિક ક્ષેત્રમાં ઑઇલ ડ્રિલિંગનું વિસ્તરણ કરવું જેવા મુદ્દા સામેલ છે. જો બાઇડને ૬ જાન્યુઆરીએ ૬૨૫ મિલ્યન એકર ઑફશૉર ટેરિટરીમાં ઑઇલ એક્સપ્લોરેશન પર પ્રતિબંધ લગાવ્યો હતો જે નિર્ણયને ટ્રમ્પ એક્ઝિક્યુટિવ ઑર્ડરથી પલટાવી નાખશે.