અમેરિકાના અલાસ્કા અને કૅનેડાની સરહદે શક્તિશાળી ભૂકંપ

08 December, 2025 10:16 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

સાતની તીવ્રતાથી ધરતી હચમચી, ૨૦ આફ્ટરશૉક, જાનહાનિના અહેવાલ નહીં

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના અલાસ્કા અને કૅનેડાના યુકોન પ્રદેશ વચ્ચેની સરહદ નજીક શનિવારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો અને એની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૭ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અલાસ્કાના જુનોથી આશરે ૩૭૦ કિલોમીટર નૉર્થવેસ્ટમાં અને યુકોનના વાઇટહૉર્સથી લગભગ ૨૫૦ કિલોમીટર પશ્ચિમમાં હતું. ઘણા લોકોએ આ ધરતીકંપ અનુભવ્યો હતો. જોરદાર ભૂકંપ થવા છતાં હજી સુધી જાનહાનિ કે મિલકતને નુકસાનની કોઈ જાણ નથી થઈ. સ્થાનિક સમય મુજબ સવારે ૧૧.૪૧ વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો અને ૩૦૦ માઇલ દૂર એન્કોરેજ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ૨૦થી વધુ આફ્ટરશૉક નોંધાયા છે. વિક્ટોરિયા યુનિવર્સિટીના પ્રોફેસર એડવિન નિસેને જણાવ્યું હતું કે ૧૮૯૯, ૧૯૭૯, ૨૦૦૨ અને ૨૦૧૭માં આ જ વિસ્તારમાં રેકૉર્ડબ્રેક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નૅચરલ રિસોર્સિસ કૅનેડાના ભૂકંપશાસ્ત્રી એલિસન બર્ડે જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્ર નજીકનો યુકોન પ્રદેશ એના કઠોર પર્વતીય ભૂપ્રદેશ માટે જાણીતો છે અને ઓછી વસ્તી ધરાવે છે. 

સુનામીનો કોઈ ખતરો નથી
ભૂકંપ લગભગ ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જોરદાર ધ્રુજારી હોવા છતાં અધિકારીઓએ સુનામીની ચેતવણી આપી નથી. 

international news world news united states of america canada earthquake