યુએસ કૉન્ગ્રેસમાં ઇન્ડિયન કૉન્ગ્રેસના રાહુલ પર મોદીની શાબ્દિક સર્જિકલ સ્ટ્રાઇક

24 June, 2023 09:20 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધી વિદેશોમાં ભારત સરકારની વારંવાર ટીકા કરતા રહે છે ત્યારે અમેરિકન કૉન્ગ્રેસને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે આપણે જ્યારે આપણા દેશ ​માટે બોલતા હોઈએ ત્યારે આપણે એક થઈને સાથે આવવું જોઈએ

વૉશિંગ્ટનમાં કૅપિટલ ખાતે ગુરુવારે કૉન્ગ્રેસની જૉઇન્ટ મીટિંગને સંબોધતા મોદી. તસવીર પી.ટી.આઇ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન કૉન્ગ્રેસમાં લગભગ એક કલાકની સ્પીચ આપી હતી, જેમાં તેમણે આતંકવાદ સહિત અનેક વિષયોને સ્પર્શ્યા હતા. અમેરિકન કૉન્ગ્રેસના મેમ્બર્સ મોદી મોદીના નારા લગાવતા હતા અને અનેક વખત તેમણે મોદીને સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ વખતે સ્પીચ ગયા વખત કરતાં લાંબી હતી. ૨૦૧૬માં તેમણે લગભગ ૪૫ મિનિટ સુધી સ્પીચ આપી હતી. 
ભારત સાથેના અમેરિકાના સંબંધોને સેલિબ્રેટ કરવા માટે સાથે આવવા બદલ વડા પ્રધાને અમેરિકન કૉન્ગ્રેસના સભ્યોની પ્રશંસા કરી હતી. 
રાહુલ ગાંધી​ વિદેશોની તેમની મુલાકાત દરમ્યાન કેન્દ્ર સરકારની વારંવાર ટીકા કરતા રહે છે એવા સમયે મોદીએ ગુરુવારે અમેરિકન કૉન્ગ્રેસના જૉઇન્ટ સેશનને સંબોધતાં આ વાત જણાવી હતી. બીજેપી આરોપ મૂકે છે કે રાહુલ કેન્દ્ર સરકારને ટાર્ગેટ કરવા માટે વિદેશોમાંથી ભારતને બદનામ કરવા કોશિશ કરી રહ્યા છે. 
કૉન્ગ્રેસના લીડર પર શાબ્દિક પ્રહાર કરતાં મોદીએ અમેરિકન સંસદસભ્યોને જણાવ્યું હતું કે ‘હું વિચારો અને વિચારધારાની ચર્ચા સમજી શકું છું, 
પરંતુ વિશ્વની બે મહાન લોકશાહી ભારત અને અમેરિકા વચ્ચેના બૉન્ડને સેલિબ્રેટ કરવા માટે તમે બધા સાથે આવ્યા છો એ જોઈને મને ખુશી થઈ રહી છે. ઘરઆંગણે હંમેશાં વૈચારિક મતભેદ થાય, પરંતુ આપણે જ્યારે આપણા દેશ ​માટે બોલતા હોઈએ ત્યારે આપણે એક થઈને સાથે આવવું જોઈએ.’ 

મોદીની સ્પીચના કેટલાક અંશો

૧) તમે દુનિયાભરના લોકોને આવકારો અને સ્વીકારો છો. અમેરિકામાં લાખો લોકો રહે છે કે જેમનાં મૂળ ભારતમાં છે. એમાંથી કેટલાક આ ચૅમ્બરમાં ગૌરવની લાગણી સાથે બેઠા છે. ભારતીયો સ્પેલિંગ બીમાં જ નહીં દરેક ફીલ્ડમાં બ્રિલિયન્ટ છે.
૨) આતંકવાદ માનવતા માટે દુશ્મન છે અને એનો સામનો કરવામાં કોઈ પણ જો અને તો ન ચાલે. ૯/૧૧ હુમલાના બે દશક કરતાં વધારે સમય અને મુંબઈમાં ૨૬/૧૧ના હુમલાના એક દશક કરતાં વધારે સમય બાદ પણ આતંકવાદ સમગ્ર વિશ્વ માટે ખતરો રહ્યો છે. આપણે આતંકવાદની નિકાસ અને સ્પૉન્સર કરતી તમામ તાકાતો વિરુદ્ધ જીત મેળવવાની જરૂર છે. 
૪) (ચીન વિશે) વૈશ્વિક વ્યવસ્થા સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો માટે સન્માન, વિવાદોના શાંતિપૂર્ણ ઉકેલ અને એકબીજાના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટેના સન્માન પર આધારિત છે. 
૫) લોકશાહી આપણું પવિત્ર અને સંયુક્ત મૂલ્ય છે. લોકશાહી એક સંસ્કૃતિ છે જે વિચારો અને અભિવ્યક્તિને પાંખ આપે છે. 
૬) ૨૫૦૦ પૉલિટિકલ પાર્ટીઓ, ૨૨ ઑફિશ્યલ ભાષાઓ, હજારો બોલી અને દર ૧૦૦ માઇલે ફૂડ ચેન્જ થઈ જાય છે એમ છતાં અમે એક જ અવાજે બોલીએ છીએ. દુનિયાના તમામ ધર્મોના લોકો ભારતમાં રહે છે. વૈવિધ્ય જીવન જીવવાની કુદરતી રીત છે. 
૭) મેં વડા પ્રધાન તરીકે પ્રથમ વખત અમેરિકાની વિઝિટ કરી હતી ત્યારે ભારત દુનિયામાં દસમું સૌથી વિશાળ અર્થતંત્ર હતું. આજે ભારત દુનિયાનું પાંચમું સૌથી વિશાળ અર્થતંત્ર છે અને ભારત ટૂંક સમયમાં જ દુનિયાનું ત્રીજું સૌથી વિશાળ અર્થતંત્ર બનશે. 

વાઇટ હાઉસના ડિનરમાં મુકેશ અને નીતા અંબાણી પણ

વૉશિંગ્ટનમાં ગુરુવારે વાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડન દ્વારા આયોજિત રાજકીય ડિનર દરમ્યાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા અંબાણી. 

narendra modi united states of america congress washington rahul gandhi international news mukesh ambani nita ambani