26 June, 2023 10:59 AM IST | Cairo | Gujarati Mid-day Correspondent
ઇજિપ્તના કૈરોમાં ગઈ કાલે અલ-હકીમ મસ્જિદની વિઝિટ દરમ્યાન લોકો સાથે વાતચીત કરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કૈરોમાં ઇજિપ્તની અગિયારમી સદીની ઐતિહાસિક અલ-હકીમ મસ્જિદની વિઝિટ કરી હતી. ભારતના દાઉદી વહોરા સમુદાયની મદદથી એનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.
આ મસ્જિદ ૧૩,૫૬૦ ચોરસ મીટરમાં ફેલાયેલી છે. ઇજિપ્તની રાજકીય મુલાકાતના બીજા દિવસે મોદીને આ મસ્જિદ બતાવવામાં આવી હતી. જેના નવીનીકરણની કામગીરી ત્રણ મહિના પહેલાં જ પૂરી થઈ હતી.
વહોરા સમુદાય ભારતમાં સેટલ છે. તેમનો વારસો ફાતિમી ઇમામોની સાથે જોડાયેલો છે. વહોરા સમુદાયના લોકો જ આ મસ્જિદની જાળવણી રાખી રહ્યા છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી જ તેમનું વહોરા કમ્યુનિટીની સાથે ખાસ અટેચમેન્ટ છે.
ઇજિપ્તના કૈરોમાં ગઈ કાલે અલ-હકીમ મસ્જિદની વિઝિટ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી. તસવીર પી.ટી.આઇ.
આ મસ્જિદનું નિર્માણ ફાતિમી ખિલાફતના પાંચમા ખલીફા અલ અઝીઝે દસમી સદીના અંતમાં શરૂ કરાવ્યું હતું. ફાતિમી ખિલાફત મૂળ અરબની હતી. નિર્માણ શરૂ થયાના એક વર્ષ બાદ નમાઝ માટેનો રૂમ જ બન્યો હતો. વર્ષ ૧૦૦૨-૦૩માં અલ-અઝીઝના દીકરા અને ફાતિમી ખિલાફતના છઠ્ઠા ખલીફા અલ-હકીમે આ મસ્જિદનું નવીનીકરણ શરૂ કરાવ્યું હતું અને અલ-હકીમના નામ પર જ આ મસ્જિદનું નામ રાખવામાં આવ્યું.