પીએમ મોદીને નવ વર્ષમાં એનાયત થયા ૧૩ ઇન્ટરનૅશનલ અવૉર્ડ્‍સ

26 June, 2023 10:55 AM IST  |  Cairo | Gujarati Mid-day Correspondent

હવે ઇજિપ્તના સર્વોચ્ચ સન્માન ‘ઑર્ડર ઑફ ધ નાઇલ’થી તેમને નવાજવામાં આવ્યા

ઇજિપ્તના કૈરોમાં ગઈ કાલે ઇજિપ્તના સર્વોચ્ચ રાજકીય સન્માન ઑર્ડર ઑફ ધ નાઇલ અવૉર્ડ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરી રહેલા ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સિસિ. તસવીર પી.ટી.આઇ.

અમેરિકા બાદ ઇજિપ્તમાં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી. ગઈ કાલે પીએમ મોદીને ઇજિપ્તના સર્વોચ્ચ સન્માન ‘ઑર્ડર ઑૅફ ધ નાઇલ’થી નવાજવામાં આવ્યા છે. તેમને કૈરોમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સિસિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૧૫માં ‘ઑર્ડર ઑફ ધ નાઇલ’ આપવાની શરૂઆત થઈ હતી. ઇજિપ્ત કે માનવજાત માટે અમૂલ્ય યોગદાન આપનારા દેશોના વડા, પ્રિન્સ અને વાઇસ પ્રેસિડન્ટને આ સન્માન આપવામાં આવે છે.

આ અવૉર્ડ વાસ્તવમાં શુદ્ધ સોનાના હાર જેવો છે, જેમાં ચોરસ આકારના સોનાના ત્રણ યુનિટ્સ છે. પહેલો યુનિટ દેશને ખરાબ તાકતોથી બચાવવાના વિચારને સંબંધિત છે. બીજો યુનિટ નાઇલ નદી દ્વારા લાવવામાં આવેલી સમૃદ્ધિ અને ખુશીને સંબંધિત છે. ત્રીજો યુનિટ ધન અને સહનશક્તિને સંબંધિત છે. આ ત્રણેય યુનિટ્સ ટરકોઇઝ અને રુબીથી સજાવવામાં આવેલા સર્ક્યુલર ગોલ્ડ ફ્લાવર દ્વારા એકબીજા સાથે કનેક્ટ છે. હાર જેવા કૉલરથી એક હેક્સાગોનલ પેન્ડન્ટ જોડાયેલું છે કે જે ફેરોનિક સ્ટાઇલનાં ફૂલો, ટરકોઇઝ અને રુબી જેમ્સથી સજાવેલું છે.

વડા પ્રધાને પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ ભારતીય સૈનિકોને અંજલિ આપી

(૧) વડા પ્રધાને ગઈ કાલે કૈરોમાં હેલિયોપોલિસ કૉમનવેલ્થ વૉર મેમોરિયલની પણ મુલાકાત લીધી હતી અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન ઇજિપ્ત અને પૅલેસ્ટીનમાં બહાદુરીથી લડનારા અને પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને અંજલિ અર્પી હતી. હેલિયોપોલિસ વૉર મેમોરિયલ લગભગ ૪૦૦૦ ભારતીય સૈનિકોને પણ અંજલિ આપે છે કે જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમ્યાન ઇજિપ્ત અને પૅલેસ્ટીનમાં લડતી વખતે શહીદ થયા હતા.
(૨) વડા પ્રધાન મોદીએ ગઈ કાલે ગિઝાનો ગ્રેટ પિરામિડ્સની પણ મુલાકાત લીધી હતી. 
(૩) વડા પ્રધાને ઇજિપ્તના ગ્રૅન્ડ મુફ્તી ડૉ. શૉકી ઇબ્રાહિમ અબ્દેલ-કરિમ એલ્લમની સાથે આતંકવાદનો મુકાબલો, કટ્ટરવાદ, સામાજિક સુસંવાદિતતાને પ્રોત્સાહન તેમ જ ઇજિપ્ત અને ભારત વચ્ચેના સંબંધો વિશે ચર્ચા કરી હતી. 

પીએમ મોદીનું આ દેશો દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું

(૧) પાપુઆ ન્યુ ગિનીના સર્વોચ્ચ નાગરિક અવૉર્ડ ‘કમ્પૅન્યન ઑફ ધ ઑર્ડર ઑફ લોગોહુ’ 
(૨) ફિઝીનો ધ કમ્પૅન્યન ઑફ ધ ઑર્ડર 
(૩) રિપબ્લિક ઑફ પલાઉ દ્વારા એબકલ અવૉર્ડ
(૪) ભુતાન દ્વારા એના સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ ધ ડ્રુક ગ્યાલ્પો
(૫) અમેરિકન સરકાર દ્વારા લીઝન ઑફ મેરિટ
(૬) બાહરિન દ્વારા કિંગ હમાદ ઑર્ડર ઑફ ધ રેનેસાં
(૭) મૉલદીવ્ઝના સર્વોચ્ચ સન્માન ઑર્ડર ઑફ ધ ડિસ્ટિંગિશ્ડ રૂલ ઑફ નિશાન ઇઝ્ઝુદ્દીન
(૮) રશિયા દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ સેન્ટ ઍન્ડ્રુ અવૉર્ડ
(૯) યુનાઇટેડ આરબ એમિરેટ્સ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ઑર્ડર ઑફ ઝાયેદ અવૉર્ડ
(૧૦) પૅલેસ્ટીનના સર્વોચ્ચ સન્માન ગ્રૅન્ડ કૉલર ઑફ ધ સ્ટેટ ઑફ ​પૅલેસ્ટીન અવૉર્ડ
(૧૧) અફઘાનિસ્તાનના સ્ટેટ ઑર્ડર ઑફ ગાઝી આમિર અમાનુલ્લા ખાન
(૧૨) સાઉદી અરેબિયા દ્વારા સર્વોચ્ચ સન્માન ઑર્ડર ઑફ અબ્દુલ અઝીઝ અલ સઉદ

cairo egypt narendra modi international news