23 October, 2024 12:09 PM IST | Russia | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રશિયાના કઝાન પહોંચેલા નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ હોટેલમાં પહોંચ્યા ત્યારે કઝાનના ભારતીય સમુદાયે તેમને આવકાર્યા હતા. ત્યાર બાદ રશિયન પ્રેસિડેન્ટ પુતિન તેમને મળ્યા હતા.
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના શાંતિપૂર્ણ સમાધાન માટે મદદ કરવા માટે ભારત તૈયાર હોવાનો પુનરુચ્ચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રશિયાના કઝાનમાં વ્યક્ત કર્યો હતો. બ્રિક્સ (BRICS) દેશોના શિખર સંમેલનમાં ભાગ લેવા આવેલા વડા પ્રધાન મોદીએ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથેની દ્વિપક્ષીય વાટાઘાટો વખતે કહ્યું હતું કે ‘રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી હું પુતિનના સંપર્કમાં છું અને અગાઉ પણ મેં કહ્યું હતું કે આ સમસ્યાનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે આવવો જોઈએ. આ પ્રદેશમાં સ્થિરતા અને શાંતિ પ્રસ્થાપિત થાય એ માટે અમે પૂરો સહયોગ કરીશું. અમારી તમામ કોશિશ માનવતા માટે રહેશે. ભારત શક્ય એ તમામ મદદ કરવા માટે તૈયાર છે.’
ગયા ત્રણ મહિનામાં વડા પ્રધાન મોદીની આ બીજી રશિયા-મુલાકાત છે. આ મુદ્દે તેમણે કહ્યું કે આ મુલાકાતો દર્શાવે છે કે અમારી વચ્ચે સંબંધો કેટલા ઊંડા છે.
આ વાટાઘાટો વખતે રશિયાના પ્રેસિડન્ટ પુતિને કહ્યું હતું કે ‘મને યાદ છે કે ગયા જુલાઈમાં આપણે મળ્યા હતા અને ઘણા મુદ્દે ચર્ચા કરી હતી. ત્યાર બાદ ફોનમાં પણ ઘણી વાર વાતચીત થઈ છે. કઝાન આવવાનું આમંત્રણ સ્વીકારવા માટે આભારી છું.’
અમારે ટ્રાન્સલેટરની જરૂર નથી : પુતિન
વડા પ્રધાન મોદી અને પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો વખતે પુતિને હળવા મૂડમાં કહ્યું હતું કે અમારી વચ્ચે સંબંધો એટલા સારા છે કે અમે એકબીજાની વાત ટ્રાન્સલેટર વિના પણ સમજી શકીએ છીએ. તેઓ મને દુભાષિયા વિના પણ સમજી જાય છે.