13 February, 2024 07:15 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent
અબુ ધાબીમાં મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે (તસવીર : પીટીઆઈ)
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની મુલાકાતે છે. તે દરમિયાન પીએમ મોદીએ આજે એટલે કે મંગળવારે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Sheikh Mohamed bin Zayed Al Nahyan) સાથે યુપીઆઈ રુપે કાર્ડ (UPI RuPay Card) સેવા શરૂ કરી.
સૌ પ્રથમ, વડા પ્રધાન મોદીએ સ્વેપ કરવા માટે રાષ્ટ્રપતિ નાહયાનને 16-અંકનું રુપે કાર્ડ આપ્યું, જેના પર નામ લખ્યું હતું - શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન. રાષ્ટ્રપતિ નાહ્યાને જે કાર્ડ સ્વેપ કર્યું તેની માન્યતા તારીખ માર્ચ ૨૦૨૪ હતી, અને તે Wi-Fi RuPay કાર્ડ હતું. કાર્ડ સ્વેપ કર્યા બાદ એક રસીદ પણ બહાર આવી અને આ સાથે આજે યુએઈમાં ભારતનું રુપે કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરતા કહ્યું કે, ભારતના UPI RuPay કાર્ડ અને UAEના જયવાન કાર્ડની શરૂઆત સાથે એક નવા ફિનટેક યુગની શરૂઆત થઈ રહી છે. પીએમ મોદીએ તેને પોતાનામાં એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે. દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે બંને દેશોના નેતાઓ દ્વારા આ એક મહત્વપૂર્ણ પગલું છે.
UAEની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ નાહયાન સાથે દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા પર વિસ્તૃત વાતચીત કરી હતી.
આ રુપે કાર્ડ કઈ રીતે કામ કરશે?
ભારત અને UAE વચ્ચેની ડીલ બાદ બંને દેશો વચ્ચે કોઈપણ અવરોધ વિના નાણાંની લેવડદેવડ શક્ય બનશે. આ માટે, ભારતના UPI ને UAEની AANI સાથે જોડવામાં આવી છે.
નોંધનીય છે કે, UAEની AANI સાથે ભારતના UPIની શરૂઆત પહેલા એટલે કે ગયા વર્ષે જુલાઈમાં વડાપ્રધાન મોદીએ પેમેન્ટ અને મેસેજિંગ સિસ્ટમને એકબીજા સાથે જોડવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
બંને દેશોના ડોમેસ્ટિક કાર્ડ એકબીજા સાથે જોડાયેલા હશે
JAYWAN (UAE) એ RuPay (ભારત) સાથે બંને દેશોના સ્થાનિક ડેબિટ/ક્રેડિટ કાર્ડને એકબીજા સાથે જોડવા પર બીજા કરાર પર હસ્તાક્ષર કર્યા, જે નાણાકીય ક્ષેત્રે સહકાર વધારવા અને સમગ્ર UAEમાં RuPay ની સ્વીકૃતિ વધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારથી બે દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે દેશના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરશે. વડાપ્રધાન અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. વર્ષ ૨૦૧૫ પછી વડાપ્રધાન મોદીની આ સાતમી યુએઈ મુલાકાત છે. PM મોદીના UAEની રાજધાની અબુધાબીમાં આગમન પર તેમને `ગાર્ડ ઓફ ઓનર` આપવામાં આવ્યું હતું.