09 June, 2023 11:22 AM IST | New York | Gujarati Mid-day Correspondent
કૅનેડાના નૉર્ધર્ન ક્વિબેક વિસ્તારમાં લાગેલા દાવાનળની વિકરાળતા હેલિકૉપ્ટરમાંથી લીધેલા ફોટોને કારણે જાણી શકાય છે.
ન્યુ યૉર્ક : છેલ્લાં છ સપ્તાહથી કૅનેડાના જંગલમાં લાગેલી આગને કારણે ૧૩ પૈકી છ રાજ્યોમાં મોટા પ્રમાણમાં વિનાશ સર્જાયો છે. મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે લઈ જવાની ફરજ પડી છે. દાવાનળે ૩૩ લાખ હેક્ટર જમીનને સાણસામાં લીધી છે. વળી એનો ધુમાડો અમેરિકાના ઈસ્ટ કોસ્ટ સુધી ફેલાયો છે, જેને કારણે ૭.૫ કરોડ અમેરિકનોને અસર પડી છે. કેટલાક લોકો આગ માટે કૅનેડાના ફૉરેસ્ટ મૅનેજનેન્ટને દોષી ઠેરવે છે. ૨૦૨૦માં ચાર વૈજ્ઞાનિકોએ આ મામલે એક સંશોધન પેપરમાં લખ્યું હતું કે જંગલોની રખેવાળી માટે પૂરતા રૂપિયા ખર્ચ કરવામાં નથી આવતા. કૅનેડામાં જંગલોમાં વીજળી પડવાને કારણે આગ લાગવાના વધુ બનાવો બને છે.
આ પણ વાંચો : ઘાટકોપરમાં ૧૫મા માળના ફ્લૅટમાં બાળકો માચીસથી રમતાં હતાં ત્યારે લાગી આગ
બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ફાયર-બ્રિગેડને મદદ માટે મોકલી હતી. અમેરિકાએ આ માટે ૬૦૦થી વધુ ફાયરફાઇટર્સ, સપોર્ટ સ્ટાફ અને અન્ય સાધનો મોકલ્યાં હતાં. કેટલાક વૈજ્ઞાનિકોના મતે ક્લાઇમેટ ચેન્જ આ માટે જવાબદાર છે. વૈશ્વિક તાપમાન વધવાને કારણે હવા વધુ લાંબા સમય સુધી સ્થિર રહે છે અને ગરમ થાય છે. આ સમસ્યા હજી વધુ વકરશે. દરમ્યાન અમેરિકામાં છવાયેલા ધુમાડાને કારણે અનેક ફ્લાઇટ મોડી થઈ છે. બેઝબૉલ રમતોનો પણ મોકૂફ રાખવામાં આવી છે. અમેરિકાની નૅશનલ વેધર સર્વિસ દ્વારા સમગ્ર ઍટ્લાન્ટિક સી બોર્ડ વિસ્તાર માટે ઍર અલર્ટ જાહેર કર્યું છે. સાઉથ કેરોલિના, ઓહાયો અને કાન્સાસ જેવાં રાજ્યોમાં રહેતા લોકોને ઘરમાં જ રહેવા જણાવાયું છે અન્યથા એમને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. સમગ્ર ન્યુ યૉર્કમાં જાણે કોઈ લાકડું બળી રહ્યું હોય એવી ગંધ આવે છે. આગામી થોડા દિવસો દરમ્યાન આવી જ હાલત રહેશે. દરમ્યાન કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવાનળ પાછળ ક્લાઇમેટ ચેન્જને જવાબદાર ગણાવ્યો છે.