14 April, 2024 02:33 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
ગોપી થોટાકુરા
અમેરિકામાં રહેતા ઑન્ટ્રપ્રનર અને પાઇલટ ગોપી થોટાકુરા એવા પહેલા ભારતીય વંશના પર્યટક હશે જે અંતરિક્ષની સફર કરશે. તેઓ બ્લુ ઓરિજિનના મિશન NS 25ના છ ક્રૂ-મેમ્બરો પૈકી એક છે. આ અવકાશયાત્રાની તારીખોની ઘોષણા હજી કરાઈ નથી.
૧૯૮૪માં ભારતીય સેનાના વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં પહોંચનારા પહેલા ભારતીય બન્યા હતા. NS 25 એ બ્લુ ઓરિજિનના ન્યુ શેફર્ડ પ્રોગ્રામનું પચીસમું મિશન છે. આ મિશનમાં આ પહેલાં છ વાર પૃથ્વી પરથી માણસોને ટૂરિસ્ટ તરીકે અવકાશમાં લઈ જવામાં આવ્યા છે. માણસોને લઈને જતું આ સાતમું મિશન રહેશે. અત્યાર સુધીમાં ૩૧ ટૂરિસ્ટો પૃથ્વીની સપાટીથી ૧૦૦ કિલોમીટર ઉપર કર્મન લાઇન સુધીનો પ્રવાસ કરીને પાછા ફર્યા છે. સ્પેસ ટૂરિઝમ માટે વારંવાર વાપરી શકાય એવું ન્યુ શેફર્ડ બ્લુ ઓરિજિન દ્વારા વિકસાવવામાં આવેલું સબ-ઓર્બિટલ લૉન્ચ વેહિકલ છે.
બ્લુ ઓરિજિનના જણાવ્યા અનુસાર ગોપી એવા પાઇલટ અને એવિયેટર છે જે પહેલાં ઊડવાનું અને પછી કાર ચલાવવાનું શીખ્યા છે. તેઓ કમર્શિયલ પાઇલટ ઉપરાંત ઍરોબૅટિક વિમાન, સી-પ્લેન અને હૉટ ઍર બલૂન પણ ઉડાવી ચૂક્યા છે. આ સિવાય તેઓ ઇન્ટરનૅશનલ મેડિકલ જેટના પાઇલટ પણ રહી ચૂક્યા છે. તેઓ આજીવન ટ્રાવેલર છે અને હાલમાં જ તાન્ઝાનિયાના કિલિમાંજારો જ્વાળામુખી પર્વતની ટોચ સુધી જઈ આવ્યા છે.
ગોપી આંધ્ર પ્રદેશના વિજયવાડામાં જન્મ્યા હતા અને બૅન્ગલોરમાં પ્રાથમિક શિક્ષણ બાદ અમેરિકાની એમ્બ્રી-રિડલ ઍરોનૉટિકલ યુનિવર્સિટીમાંથી તેમણે ગ્રૅજ્યુએશન કર્યું છે.