09 December, 2022 07:47 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી સ્ક્રીનશોટ (તસવીર: ટ્વિટર)
બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં લંડનથી દુબઈ જઈ રહેલી એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને તેના ખોરાકમાં ખોટા દાંત (ડેન્ટલ ઈમ્પ્લાન્ટ) મળ્યા છે. ઘડા અલ-હોસ નામની આ મહિલાએ ટ્વિટર પર કહ્યું કે તે BA107 ફ્લાઇટમાં લંડનથી દુબઈ જઈ રહી હતી ત્યારે તેને આ દાંત ખાવામાં મળ્યો. તેણે પોતાના ટ્વીટમાં બ્રિટિશ એરવેઝને પણ ટેગ કર્યું છે. મહિલાએ ટ્વિટર પર પોતાની ટ્વીટ પોસ્ટની સાથે પીરસવામાં આવતા ભોજનનો ફોટો પણ મૂક્યો છે, જેમાં દાંત જેવું કંઈક દેખાય છે.
મિસ ઘડાએ લખ્યું, "બ્રિટિશ એરવેઝ 25 ઓક્ટોબરે તમારી ફ્લાઇટ BA107 માં પીરસવામાં આવેલા તમારા ભોજનમાં મળેલા ખોટા દાંત અંગે હું હજુ પણ તમારા જવાબની રાહ જોઈ રહી છું. તમારા કોલ સેન્ટરમાંથી કોઈએ આ વિશે મારી સાથે વાત પણ કરી નથી." આ ચિત્ર સફેદ રૂમાલમાં લપેટાયેલો ખોટો દાંત દર્શાવે છે. તેની તસવીર ફ્લાઇટમાં ઉપલબ્ધ ફૂડ સાથે લેવામાં આવી છે, જેમાં ભાત અને કેટલાક શાકભાજી જોવા મળે છે.
બ્રિટિશ એરવેઝે ટ્વીટનો ઝડપથી જવાબ આપતા લખ્યું: "અમને આ જોઈને ખૂબ જ દુ:ખ થાય છે! શું તમે તમારી માહિતી કેબિન ક્રૂને આપી હતી જેથી અમારી ગ્રાહક સંબંધોની ટીમ તમારો સંપર્ક કરી શકે? સુરક્ષાના કારણોસર, કૃપા કરીને તમારી વ્યક્તિગત માહિતી અમને ડાયરેક્ટ મેસેજ કરો."
ધ ઈન્ડિપેન્ડન્ટ સાથે વાત કરતા, એરલાઈને એમ પણ કહ્યું કે તેઓ માફી માંગવા માટે ગ્રાહક સાથે સીધા સંપર્કમાં છે અને વધુ તપાસ માટે બાકીની માહિતી માંગી છે.
આ દરમિયાન ટ્વિટર પર ઘણા યુઝર્સે આ અંગે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, આ અવિશ્વસનીય છે, પરંતુ જો સાચું હોય તો તે ખૂબ જ ઘૃણાસ્પદ છે." અન્ય એક યુઝરે લખ્યું, શું હું આની વધુ તસવીરો જોઈ શકું છું? હું ડેન્ટલ ઈમ્પ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ છું અને હું આ વિશે ખરેખર ઉત્સુક છું." ત્રીજા યુઝરે લખ્યું, "તે મકાઈના દાણા જેવું લાગે છે."