Paris Bed bugs Crisis : માંકડના સકંજામાં સપડાયું પૅરિસ, સોશ્યલ મીડિયા પર ભયાવહ દ્રશ્યો દેખાયા

04 October, 2023 01:12 PM IST  |  Paris | Gujarati Mid-day Online Correspondent

Paris Bed bugs Crisis : ફ્રાન્સના પૅરિસમાં લોહી ચૂસનારા જંતુનો આતંક ફેલાયો છે. આ જંતુઓ માત્ર લોકોના ઘરોમાં જ નહીં પણ મૂવી થિયેટર, ટ્રેન અને ચાર્લ્સ-ડી-ગૌલ એરપોર્ટ જેવા સ્થળોએ પણ જોવા મળી રહ્યા છે.

પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય: એક્સ)

ફ્રાન્સના પૅરિસમાં લોહી ચૂસનારા જંતુનો આતંક (Paris Bed bugs Crisis) ફેલાયો છે. તાજેતરના જ અઠવાડિયામાં બેડબગ એટલે કે માંકડના કેસમાં તીવ્ર વધારો થયો છે. આ જંતુનો આતંક એટલી હદ સુધી ફેલાઈ ગયો છે કે ટ્રેઈન, પૅરિસ મેટ્રો અને સિનેમાઘરો સહિતના સ્થળોએ આ જંતુ જોવા મળી રહ્યા છે. જોકે, આવતા વર્ષે ફ્રાન્સમાં ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ફ્રાન્સમાં એકાએક આ રીતે લોહી ચૂસનારા જંતુનો આતંક (Paris Bed bugs Crisis) વધી જતાં મોટો પ્રશ્ન સામે આવીને ઊભો રહ્યો છે. સમગ્ર ફ્રાન્સની ચિંતા વધી ગઈ છે. આ સાથે જ ફ્રાન્સની સરકારે મંગળવારે કહ્યું હતું કે તે આ અઠવાડિયે આ બાબતે કટોકટી બેઠક યોજશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાન્સમાં 2024માં ઓલિમ્પિક યોજાવાનું છે. આ જ કારણોસર દુનિયાભરમાંથી અનેક એથ્લેટ ફ્રાન્સ પહોંચશે. તે જ સમયે રગ્બી વર્લ્ડ કપની યજમાની પણ ફ્રાન્સ કરવાનું છે. પરંતુ આ રીતે માંકડના વધી રહેલા ઉપદ્રવ (Paris Bed bugs Crisis)ને કારણે ફ્રેન્ચ સરકાર માટે મોટો ચિંતાનો વિષય બનીને ઊભો રહી ગયો છે. 

પૅરિસ શહેર ગંભીર રીતે માંકડના ઉપદ્રવ (Paris Bed bugs Crisis)ને કારણે ત્રસ્ત છે. આ લોહી ચૂસનારા જંતુઓ માત્ર લોકોના ઘરોમાં જ નહીં પણ મૂવી થિયેટર, ટ્રેન અને ચાર્લ્સ-ડી-ગૌલ એરપોર્ટ જેવા સ્થળોએ પણ જોવા મળી રહ્યા છે. પૅરિસના લોકો આ ખતરનાક પરિસ્થિતિ વિશે તેમની ચિંતા વ્યક્ત કરવા અને આ જંતુના ઉપદ્રવ વિશેના પોતાના અનુભવો શૅર કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે.

એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ વિશે પોતાના અનુભવ શૅર કરતાં લખ્યું હતું કે, `ઓહ, ખરેખર મારા જીવનનો અંત થઈ જશે. બેડબગ્સ (માંકડ) એ ખરેખર ભયાનક છે. તો અન્ય એક યુઝરે આ જંતુઓથી છુટકારો મેળવવા માટે પગલાં લેવાની માંગ કરતાં લખ્યું હતું કે, `બેડબગ્સ સામે ક્રાંતિ શરૂ કરવાનો સમય આવી ગયો છે.` તો કોઈ એમ પણ કહી રહ્યું છે કે, `મને પૅરિસમાં બેડબગ્સનો સામનો કરવા માટે `એમિલી ઇન પૅરિસ`ના એપિસોડની જરૂર છે.`

વર્ષ 2017 અને 2022ની વચ્ચે 10માંથી એક ફ્રેન્ચ ઘરમાં માંકડનો ઉપદ્રવ ફેલાયો હતો. અને ફરી આ જ લોહી ચૂસી નાખતા જંતુઓનો આતંક ફેલાયો છે. પૅરિસના પ્રથમ ડેપ્યુટી મેયર એમેન્યુઅલ ગ્રેગોઇરે ચેતવણી આપી હતી કે કોઈ પણ અહીં સુરક્ષિત નથી. તેમણે આ જંતુનો સામનો કરવા માટે એક બેઠક પણ બોલાવી હતી અને તેને જાહેર આરોગ્ય કટોકટી ગણાવી હતી. વડા પ્રધાન એલિઝાબેથ બોર્નને સંબોધિત કરીને આ સમસ્યાનો સામનો કરવા માટે કાર્ય યોજના વિકસાવવા વિનંતી પણ કરવામાં આવી હતી.

માંકડની લંબાઈ લગભગ 5થી 7 મિલીમીટર જેટલી હોય છે અને આ જંતુઓ મુખ્યત્વે માનવો અને પ્રાણીઓનું લોહી ચૂસે છે. ખાસ કરીને તેઓ પથારીઓ અને ફર્નિચરમાં સંતાયેલા રહે છે. કાપડ સામાન પર સહેલાઈથી ફરી શકે છે.

paris france international news