06 February, 2023 11:46 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને ચીફ ઑફ આર્મી સ્ટાફ પરવેઝ મુશર્રફ
નવી દિલ્હી : પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને ચીફ ઑફ આર્મી સ્ટાફ પરવેઝ મુશર્રફનું લાંબા સમય સુધી ગંભીર બીમારી બાદ ગઈ કાલે દુબઈમાં અમેરિકન હૉસ્પિટલ ખાતે ૭૯ વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી પાકિસ્તાનની બહાર રહેતા હતા. તેમનો પરિવાર ગયા વર્ષથી તેમને પાકિસ્તાનમાં પાછા લાવવા માટે કોશિશ કરી રહ્યો હતો.
જનરલ મુશર્રફ તેમના જીવનનાં કેટલાંક વર્ષોમાં ખૂબ જ પીડા ભોગવતા હતા, કેમ કે ઍમિલોઇડોસિસ નામની બીમારીના કારણે તેમનાં અંગો ફેલ થઈ ગયાં હતાં. આ બીમારીથી ટિશ્યુઝ અને અંગોને અસર થાય છે, જે અંગોની સામાન્ય કામગીરીને અવરોધે છે. આ એક દુર્લભ રોગ છે, જે સમગ્ર શરીરમાં અંગો અને ટિશ્યુઝમાં ઍમિલોઇડ નામના અસામાન્ય પ્રોટીનના નિર્માણને કારણે થાય છે.
મુશર્રફ પર ૨૦૦૭માં ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુત્તોની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુશર્રફ છેલ્લાં આઠ વર્ષથી દુબઈમાં રહેતા હતા. આ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ૧૯૯૯માં સફળ રક્તવિહીન સૈન્ય તખ્તાપલટા બાદ પાકિસ્તાનના દસમાં રાષ્ટ્રપતિ બન્યા હતા.
દિલ્હીમાં થયો હતો જન્મ
૧૯૪૩ની ૧૧ ઑગસ્ટે દિલ્હીના દરિયાગંજમાં મુશર્રફનો જન્મ થયો હતો. ભારતના ભાગલા બાદ તેમનો પરિવાર કરાચીમાં વસી ગયો હતો.
કારગિલનું કાવતરું ઘડ્યું હતું
કારગિલ યુદ્ધનું તમામ કાવતરું મુશર્રફે જ રચ્યું હતું. તેમણે એ સમયના પીએમ નવાઝ શરીફને પણ અંધારામાં રાખ્યા હોવાનું મનાય છે. જેહાદીના વેશમાં પાકિસ્તાનની આર્મીએ જ્યાં સુધી સીમા પાર નહોતી કરી ત્યાં સુધી મુશર્રફે આ સીક્રેટ કોઈને નહોતું જણાવ્યું. પાકિસ્તાનની આર્મી જ્યારે કારગિલના શિખરે પહોંચી ત્યારે જ મુશર્રફે એ સમયના પીએમ નવાઝને જાણકારી આપી હતી. જેમાં પણ મહત્ત્વની હકીકતો છુપાવી હતી. પાકિસ્તાનના પીએમને જણાવાયું હતું કે જેહાદીઓએ કારગિલમાં ઘૂસણખોરી કરી છે.
જેહાદીઓના વેશમાં પાકિસ્તાનની આર્મી કારગિલમાં પ્રવેશી ચૂકી હતી. ઇન્ડિયામાં રૉ અને મિલિટરી ઇન્ટેલિજન્સને ગેરમાર્ગે દોરવા માટે મુશર્રફે કારગિલમાં એલઓસી પર ખોટા રેડિયો મેસેજિસ અપાવ્યા હતા. આ મેસેજિસ બાલ્ટી અને પશ્તો ભાષામાં અપાયા હતા. એ સમયે એલઓસી પર પાકિસ્તાનના જેટલા પણ જેહાદીઓ સક્રિય હતા, તેઓ વાતચીત માટે આ જ બે ભાષાનો ઉપયોગ કરતા હતા. રેડિયો પર આ ભાષામાં મેસેજિસ અપાયા હતા, જેથી ઇન્ડિયન એજન્સીસને એમ લાગે કે કારગિલમાં પાકિસ્તાનની સેના નહીં, પરંતુ જેહાદીઓ ઍક્ટિવ છે. રેડિયો મેસેજિસમાં એમ પણ જણાવાયું હતું કે પાકિસ્તાની સેના જેહાદીઓને સપોર્ટ આપી રહી નથી.
વાસ્તવમાં ભારતીય આર્મ્ડ ફોર્સિસને એ વિશ્વાસ અપાવવાની કોશિશ હતી કે એલઓસી પર જે કંઈ પણ ચાલી રહ્યું છે એમાં પાકિસ્તાનની આર્મી સામેલ નથી.