19 February, 2023 07:46 AM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
પાકિસ્તાનના એક પત્રકારે પોતાના જ દેશની પોલ ખોલી છે. તેણે દાવો કર્યો છે કે તાજેતરમાં આવેલા ભૂકંપ બાદ પાકિસ્તાન દ્વારા ટર્કીને જે સહાયસામગ્રી મોકલવામાં આવી છે એ વાસ્તવમાં ગયા વર્ષે આવેલા વિનાશક પૂર દરમ્યાન ટર્કી દ્વારા પાકિસ્તાનને મોકલવામાં આવી હતી. પાકિસ્તાને રિસન્ટલી ટર્કીના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં સહાયસામગ્રી તેમ જ સર્ચ અને રેસ્ક્યુ જવાનોને સી-૧૩૦ પ્લેનમાં મોકલ્યા હતા. આ ઘટસ્ફોટથી બે બાબત સ્પષ્ટ થાય છે કે વિદેશો દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલી સહાયનો એ યોગ્ય ઉપયોગ કરતું નથી. બીજું એ કે બીજા દેશોને સહાય કરવા માટે એની પાસે કંઈ પણ નથી.
પાકિસ્તાનસ્થિત પત્રકાર શાહિદ મસૂદે દાવો કર્યો છે કે ટર્કીએ પૂર દરમ્યાન પાકિસ્તાનને જે સહાયસામગ્રી મોકલી હતી એ જ હવે ટર્કીને મળી છે. શાહિદે પાકિસ્તાનની જીએનએન ન્યુઝ ચૅનલ પર આવો વિસ્ફોટક દાવો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પાકિસ્તાને કેટલીક સહાયવસ્તુઓનું પૅકેજ બદલ્યું હતું અને એને ભૂકંપસહાયના નામે ટર્કીને પાછું મોકલ્યું હતું.
આ ઘટસ્ફોટ વાસ્તવમાં પાકિસ્તાન માટે ખૂબ જ શરમજનક છે, કેમ કે એના વડા પ્રધાન શાહબાઝ શરીફ ટર્કીના ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સહાય માટેની કામગીરીનું જાતે મૉનિટરિંગ કરી રહ્યા છે.
દરમ્યાન આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતું પાકિસ્તાન ખરેખર ગરીબ થઈ ગયું છે કે નહીં એ સવાલ થઈ રહ્યો છે. કેમ કે પીએમએલ-એનના નેતા અને સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે પાકિસ્તાને પહેલાંથી જ નાદારી નોંધાવી લીધી છે. એક વિડિયોમાં તેઓ એમ કહેતા જોવા મળ્યા હતા કે આપણે એક નાદાર દેશમાં રહીએ છીએ.